Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કચ્છમાં ધોળાવીરા સાઈટ મ્યુઝિયમ અને ફોસીલ પાર્કની મુલાકાત લેતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

ભુજ,   ::::રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે કચ્છમાં આવેલ હરપ્પન સંસ્કૃતિના અંદાજે ચારથી પાંચ હજાર વર્ષ પુરાતન મનાતા શહેર ધોળાવીરા સાઇટની મુલાકાત લીધી હતી.ઉત્ખનનથી મળી આવેલી આ સાઇટ પર પૌરાણિક અવશેષો, એ જમાનાની  પાણી નિકાલ અને સંગ્રહ કરવાની અલગ અલગ વ્યવસ્થા, જળ વ્યવસ્થાપન ની  દીર્ધ દષ્ટિ, પૌરાણિક પત્થરથી  બાંધકામ વિગેરે નિહાળી અહીં થયેલા સંશોધનો અને ઇતિહાસવિદો ના તારણો વિશે વાકેફ થયા હતા. તેઓએ આર્ક્યોલોજી વિભાગના મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.

રાજ્યપાલશ્રીએ આજે ખદીર બેટ વિસ્તારમાં મળી આવેલા  જુરાસિક સમય કાળના વૃક્ષઅસ્મિઓ કે જે પથ્થર જેવા દેખાય છે તેવા ભૂપૃષ્ઠમા પડેલા વૃક્ષો, દરિયાઈ જીવ અસ્મિઓ નિહાળી કચ્છમાં રહેલી જૈવ વિવિધતા અને પાણીને લીધે દરિયા જેવા દેખાતા રણનો નજારો નિહાળ્યો હતો. અહીં વનવિભાગ અને પ્રવાસન કોર્પોરેશનના સંકલનથી ફોસીલ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. જેમાં નિષ્ણાંતોના મતે છ કરોડ વર્ષ પુરાણું મનાતું 10 મીટર લાંબુ અને1.5મીટર નો વ્યાસ ધરાવતું વૃક્ષ અસ્મિ નિહાળ્યુ હતું. આ  દુર્લભ અશ્મિ  લોકોને આગામી સમયમાં જોવા મળશે. રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં પુરાણીક સંસ્કૃતિ ના અવશેષો ના રક્ષણની વ્યવસ્થા સાથે તેને પ્રવાસન સાથે જોડવાની કામગીરી અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ધોળાવીરા સાઇટ અને મ્યુઝિયમ અંગેની માહિતી આર્કિયોલોજી આસિસ્ટન્ટ શ્રી શ્યામ કુમારે આપી હતી જ્યારે ફોસીલ પાર્ક ની માહિતી ફોરેસ્ટ અધિકારી શ્રી શૈલેષ પટેલે આપી હતી આ વેળાએ ધોળાવીરાના સરપંચ શ્રી જીલુભા સોઢા તેમજ પ્રાંત અધિકારી શ્રી જાડેજા ઉપરાંત પુરાતત્વ ફોરેસ્ટ પોલીસ અને પ્રવાસન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(9:36 pm IST)