Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ચોટીલામાં સેના દિન નિમિત્તે

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ અંતર્ગત 'ઘાયલ મરતાં મરતાં રે, માતની આઝાદી ગાવે' સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો

ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતેમા ભારતીની રક્ષા કાજે ફના થનાર ભારતીય સેનાના શહીદ વીરોને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી : રાજકોટ-સદર સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા ખાતે પણ શ્રધ્ધાસુમન અર્પણ થયા : નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે આશયથીઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા પ્રેરક આયોજન

રાજકોટ તા. ૧૧ : ૧૫ જાન્યુઆરી ૧૯૪૯ના ઐતિહાસિક દિવસે ફિલ્ડ માર્શલ કે. એમ. કરિઅપ્પા (ત્યારે લેફ. જનરલ)એ છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઈન-ચીફ પાસેથી ભારતીય સેનાના કમાન્ડર-ઈન-ચીફ તરીકેનો ચાર્જ સંભાળેલો. આની સ્મૃતિમાં ૧૫ જાન્યુઆરીને દેશભરમાં ભારતીય સેના દિન - Indian Army Day તરીકે ઉજવવામાં આવે છે.

ભારતીય સેના દિન નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ 'મેઘાણીક૧૨૫' અંતર્ગત એમની જન્મભૂમિ ચોટીલા ખાતે 'ઘાયલ મરતાં મરતાં રે, માતની આઝાદી ગાવે' સ્મરણાંજલિ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે મા ભારતીની રક્ષા કાજે ફના થનાર ભારતીય સેનાના શહીદ વીરોને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી. ચોટીલા તાલુકાના યુવા વીર શહીદ સ્વ. ભાવેશભાઈ ધીરુભાઈ રાઠોડ (કુંઢડા) અને સ્વ. વનરાજભાઈ કાનાભાઈ દેગામા (ઝીંઝુડા)ને એમના પરિવારજનની ઉપસ્થિતિમાં અંજલિ અપાઈ. ભારતીય સેનાએ આપેલ બલિદાન-આહૂતિનું ઋણ અને મૂલ્ય કયારેય વીસરાશે નહિ : મરકર ભી દિલસે ન નીકલેગી કભી વતન કી ઉલ્ફત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુ-એ-વતન આયેગી. નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે આશયથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા આ પ્રેરક આયોજન કરવામાં આવ્યું હતું.

પિનાકી મેઘાણી, ભારતીય સેનાના સેવા નિવૃત્ત્। અધિકારીઓ કેપ્ટન જયદેવભાઈ જોશી, ડી. ડી. ઠુમ્મર, જે. એન. પંડ્યા, સુરેશભાઈ અમીપરા, ગંભીરસિંહ જાદવ અને લગધીરસિંહ ઝાલા, ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સરદારધામ યુવા તેજસ્વીનીના કન્વીનર શર્મિલાબેન બાંભણીયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર જાગૃતિબેન ઘારીયા, શિક્ષણ જગતમાંથી મુનાફભાઈ નાગાણી (નિવૃત્ત્। જિલ્લા શિક્ષણાધિકારી), લક્ષ્મણભાઈ બાંભણીયા (મારવાડી યુનિવર્સિટી), ઉગ્રસેનસિંહ ગોહિલ અને રઝાકભાઈ ઉનડપોત્રા, ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલયના અનિશભાઈ લાલાણી, કાઠી સમાજના ભનુભાઈ ખવડ અને વાઘુભાઈ ખવડ, ટ્રેનર ખુમાણસિંહ ગોહિલ, નેશનલ યુથ પ્રોજેકટ (રાજકોટ)ના રાજેશભાઈ ભાતેલીયા અને વાલજીભાઈ પિત્રોડા ઉપસ્થિત રહ્યાં હતાં. ભારતીય સેનાના સેવા નિવૃત્ત્। અધિકારીઓ કેપ્ટન જયદેવભાઈ જોશી, ડી. ડી. ઠુમ્મર, જે. એન. પંડ્યા અને સુરેશભાઈ અમીપરાએ સેના સાથેનાં પોતાનાં સંસ્મરણો વાગોળીને નવયુવાનોને પ્રેરણા આપી હતી. મહિલા અગ્રણી શર્મિલાબેન બાંભણીયાએ મહિલા સશકિતકરણ અંગેની વાત કરી હતી. લોકસાહિત્ય-અભ્યાસુ ભનુભાઈ ખવડ (સેજકપર)એ મેઘાણી-સાહિત્યનું હૃદયસ્પર્શી આચમન કરાવ્યું હતું. શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ સંચાલિત એન. એન. શાહ શાળા પરિવારનાં ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓ ભારતીય સેના, સીઆરપીએફ, એસઆરપી, પોલીસ વિભાગમાં હાલ ફરજ બજાવી રહ્યા છે જે ખાસ ઉલ્લેખનીય છે.  લોકલાગણીને માન આપીને શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા ટ્રેનિંગ-સ્પોર્ટસ એકેડમીનું પણ ટૂંક સમયમાં આયોજન થઈ રહ્યું છે. રાજકોટ-સદર સ્થિત તે સમયની ઐતિહાસિક તાલુકા શાળા અને હાલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા, જયાંથી ઝવેરચંદ મેઘાણીએ ૧૯૦૧માં શાળા શિક્ષણનો આરંભ કર્યો હતો, ત્યાં પણ ભારતીય સેનાના શહીદ વીરોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં. ભારતીય સેનાના સેવા નિવૃત્ત્। અધિકારીઓ મનનભાઈ ભટ્ટ, જગતસિંહ જાડેજા, ડી. ડી. ઠુમ્મર, જે. એન. પંડ્યા, ભાવેશભાઈ હીરપરા, અમરશીભાઈ હાલપરા અને સુરેશભાઈ અમીપરા ઉપસ્થિત રહ્યા હતા. લોકગાયક નીલેશ પંડ્યાએ ઝવેરચંદ મેઘાણીના શૌર્ય અને દેશપ્રેમના ગીતો રજૂ કરીને સહુને ડોલાવી દીધા હતા. શર્મિલાબેન બાંભણીયા સંચાલિત કસ્તૂરબાધામ-ત્રંબા સ્થિત પોપ્યુલર સ્કૂલ ખાતે સેનાની ભરતી માટે તાલીમાર્થીઓની મુલાકાત લઈને જ્ઞાન-ગોષ્ઠિ પણ કરી હતી.  રાજકોટ સ્થિત ૯૧-વર્ષીય વિશ્વવિખ્યાત સંગીતકાર, પિયાનોવાદક, કલાગુરુ કાંતિભાઈ સોનછત્રાએ પોતાની આગવી શૈલીમાં 'વંદે માતરમ્'ની ધૂન વગાડીને ઈન્ટરનેટના માધ્યમથી ભારતીય સેનાના વીર શહીદોને અનોખી સ્વરાંજલિ અર્પણ કરી છે.

(10:18 am IST)