Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ગીરના જંગલમાં 'શ્વાન'એ બાથ ભીડી અને 'સિંહણ' એ પાછીપાની કરી લીધી !

ભાગ્યે જ બનતી ઘટના જોવા મળી : સિંહે ખાનદાની પુરવાર કરી

(ગૌતમ શેઠ દ્વારા) મેંદરડા,તા. ૧૧: જેની ગર્જનાથી આખું જંગલ ગુંજી ઉઠે છે અને ભલભલાના હાંજા ગગડી જાય છે તેવા સિંહને શ્વાનએ ચેલેન્જ આપી. ગીરના જંગલમાં જોવા મળતી અતિ દુર્લભ એવી આ ઘટના પ્રવાસીઓએ કચકડે કંડારી છે જેમાં એક શ્વાન સિંહ સાથે બાથ ભીડવાની હિંમત કરી રહ્યો છે અને સિંહ પણ પાછી પાની કરતો નજરે ચડી રહ્યો છે વાત એ છે કે જયાં પ્રવાસીઓને સિંહ દર્શન માટે જંગલના રૂટ પર લઈ જવામાં આવે છે ત્યાં પવન ચક્કી વાળા પાણીના પોઇન્ટ નજીક પ્રવાસીઓ જીપ્સીમાં બેસી સિંહ દર્શન કરતા હતા તેવામાં અચાનક જ બે સિંહણો પ્રવાસીઓને નજરે ચડી અને ત્યાં અચાનક જ શ્વાન પણ આવી ચડ્યો અને સિંહને ભસવા લાગ્યો તેવામાં સિંહણ ધીમે ધીમે પાછીપાની કરવા લાગી હતી તેનો મતલબ એવો નથી કે સિંહણ શ્વાનથી ડરી ગઈ. અને શ્વાન રાજા બની ગયો સિંહ એ ખાનદાન પ્રાણી છે અને તેનો સ્વભાવ છે કે જે તેનો ખોરાક નથી તેને શિકાર બનાવતું નથી.

આ સમગ્ર મામલે સાસણના ડીસીએફ એ જણાવ્યું હતું કે ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે શ્વાન ચિતલ, હરણના બચ્ચાનો શિકાર કરવા માટે ત્રણ-ચારના જૂથમાં જંગલમાં ચડી આવતા હોય છે પણ તેણે આ ઘટનામાં સિંહની સાથે બાથ ભીડી હોય તેવું સામે આવ્યું છે પણ સિંહએ ખાનદાન પ્રાણી છે જેથી શ્વાનને છોડી દીધું નહિતર સિંહ ધારે તો એક મિનિટના છઠ્ઠા ભાગમાં સ્વાન ને પતાવી પણ દે છે આ ઘટના પરથી સિંહની ખાનદાની વધુ એકવાર સાબિત થાય છે.

(12:02 pm IST)