Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ઉપલેટામાં મોજ ડેમની માઇનોર કેનાલના પાણી સોસાયટીમાં ફરી વળ્યા

( ભરત દોશી દ્વારા ) ઉપલેટા,તા. ૧૧: પોરબંદર રોડ વિસ્તારમાંથી નીકળતી મોજ ડેમની માઇનોર કેનાલ છેલ્લા ૨૪ કલાકથી છલકાઈ રહી છે અને તેનુ પાણી રોડ ઉપર અને આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યુ છે. મુરલીધર આહીર સમાજની આસપાસના વિસ્તારની સોસાયટીઓમાં કેનાલ છલકાતા પાણી પાણી થઈ ગયું છે.  લાખો લીટર પાણી રોડ ઉપર આવી જતા રોડ ઉપર ગોઠણ ડૂબ પાણી ભરાયા છે, સાથે આ વિસ્તારમાં આવેલ મારબલના કારખાનાઓમાં પણ પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકોને પણ આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. આ વિસ્તારમાં આ સમસ્યા દર વર્ષે સર્જાય છે. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજુઆત થઈ ચૂકી છે પરંતુ તંત્ર કોઈ પણ જાતની યોગ્ય કામગીરી કરતુ નથી. કેનાલ છોડતા પહેલા કેનાલ સાફ કરવી વગેરે જેવી ત્યાં સુધી પણ તસ્દી લેતું નથી તેવી સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

બેદરકારીને લીધે થોડા સમય પહેલા શહેરના ઢાક માર્ગ પર આવેલ સોસાયટીઓમાં કેનાલથી છેક અડધો કિલોમીટર સુધીના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા અને ઘણા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના લીધે વાવેતર કરેલ પાક બળી ગયો હતો અને ગયા વર્ષે પણ આ જ રીતે ડુમીયાણી ગામ પાસે આવેલ કેનાલો ઓવરફલો થતા આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં ખુબ જ મોટાપાયે તબાહી સર્જી હતી તેમાંથી કોઈ પણ જાતનો બોધપાઠ લીધા વિનાબેદરકારીને લીધે અવાર નવાર કેનાલ છલકાય છે જેના લીધે ઘણી વખત ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલ એરંડા સહિતના અલગ-અલગ પાક તણાઈ જાય છે જેના લીધે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવી પડે છે તેમજ કેનાલની આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકોને પણ દર વર્ષે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે ઉપલેટાના ખેડૂતો તથા સ્થાનિક રહીશોએ પગલાં લઇ દર વર્ષે ખેડૂતોને પડતી મુશ્કેલીનું નિરાકરણ કરવુ જોઈએ અને જવાબદાર અધિકારીઓની વિરુધ્ધ યોગ્ય પગલા લઈ સસ્પેન્ડેડ કરવા જોઇએ તેવી માંગણી ઉઠી છે.

(12:03 pm IST)