Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જૂનાગઢમાં દસ લાખની ખંડણી પ્રકરણમાં મુખ્ય સુત્રધારની શોધખોળ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા. ૧૧: જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલ રાધાનગર સોસાયટીમાં રહેતા અને માંગનાથ રોડ ઉપર લેડીઝ ગારમેન્ટનો વ્યવસાય કરતા સિંધી વેપારીના ઘરે વહેલી સવારે ચાર વાગ્યે ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી, પૂછપરછ માટે ૧૦ મિનિટ લઈ જવાનું જણાવી, વેપારી રોશનભાઈ હરેશભાઇ ખાનવાણી સિંધીના ભાઈ નિમેષ હરેશભાઇ ખાનવાણી સિંધી ઉવ. ૨૧ નું અપહરણ કરી, લઈ જઈ, રૃ. ૧૦,૦૦,૦૦૦/- (દસ લાખ)ની ખંડણી માંગતા, જૂનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવતા, સિંધી વેપારીને અપહારણકારોની ચુંગાલમાંથી છોડાવેલ હતો, પણ આરોપીઓ નાસી ગયા હતા. તાજેતરમાં ભવનાથ પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની સંયુકત ટીમ દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી, એક સગીરને રીમાન્ડ હોમ મોકલી આપેલ અને આરોપી ભાયો ઉર્ફે ભાવેશ આલાભાઈ બઢ જાતે રબારી ઉવ. ૨૩ રહે. ઢાંક ગામ, દિલીપ મિલ પાસે તા. ઉપલેટા જી. રાજકોટ તેમજ આરોપી જસકુ જીતુભાઇ હુદળ જાતે કાઠી રહે. જેતલસર જી. રાજકોટને પકડી પાડી, ધરપકડ કરી, જેલ હવાલે કરવામાં આવેલ છે.

જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ શહરમાંથી અપહરણ થયેલ ભવનાથ વિસ્તારના નિમેષ હરેશભાઇ સિંધીની તપાસ બનાવની ગંભીરતા આધારે તેમજ આ પ્રકારના બનાવમાં સંડોવાયેલ તમામ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ ટીમને સુચનાઓ કરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસની સ્થાનિક ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા તથા સ્ટાફના હે.કો.વિક્રમભાઈ,સાહિલભાઈ, દીપકભાઈ, હે.કો.રાજુભાઇ ઉપાધ્યાય, વિપુલસિંહ, રામદેભાઈ, ડાહ્યાભાઈ, દીપકભાઈ બડવા, કરશનભાઇ, મહેન્દ્રભાઈ ડેર, સહિતની પોલીસ ટીમ દ્વારા સતત આરોપીઓની હલચલ ઉપર નજર રાખી, પકડાયેલ આરોપીઓની પૂછપરછ આધારે મળેલ બાતમી આધારે ગાંધીગ્રામ વિસ્તારમાંથી, આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય ચોથો આરોપી શુભમ ઉર્ફે ડોકટર અજયભાઈ તાવડે જાતે મરાઠી ઉવ. ૨૬ રહે. નાલંદા સ્કૂલ વાળી ગલી, રાજીવનગર, ગાંધીગ્રામ, જૂનાગઢને રાઉન્ડ અપ કરી, પકડી પાડી, ભવનાથ ખાતે લાવી, અપહરણ અને ખંડણી માંગવાના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ હતી. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતેથી અપહરણ થયેલ યુવાન નિમેષ સિંધીને તો તાત્કાલિક છોડાવેલ હતો, પરંતુ, આ ગુન્હામાં સંડોવાયેલ કુલ ૦૪ આરોપીઓને પણ એક પછી એક ગણતરીના દિવસોમાં પકડી પાડવામાં આવેર્લં હતા. જૂનાગઢ પોલીસ દ્વારા આ ગુન્હામાં વપરાયેલ અલ્ટો કાર કિંમત રૃ. ૧,૫૦,૦૦૦/-, મોબાઈલ ફોન, સોનાની ચેઇન સહિતનો તમામ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ હતો. જયારે હાલમાં પકડાયેલ શુભમ ઉર્ફે ડોકટર અજયભાઈ તાવડે જાતે મરાઠીની કબૂલાત મુજબ પોતે ઇકો ગાડીનો ડ્રાઈવર હોઈ, મુખ્ય સુત્રધાર નાજા રબારીનો મિત્ર હોઈ, પોતાને વાડીએ જવાનું જણાવી, સાથે લઈ ગયેલાની કબૂલાત કરેલ હતી. ઢાંક ખાતે પોતે આરોપી નાજા રબારી અને જસકુ કાઠી સાથે પાછો જુનાગઢ આવેલ અને ભુપત રબારી અપહૃત વેપારીનું ઘર બતાવવા આવેલ હતો. અપહૃતના ઘરે આરોપી નાજા રબારીએ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તરીકેની ઓળખ આપી, જસકુ પોલીસ ઓફિસર હોવાનું જણાવેલ હતું. ત્યારબાદ અપહરણ કરીને મદદગારી કારેલાની કબૂલાત કરવમાં આવેલ હતી. હવે આ ગુન્હામાં મુખ્ય સૂત્રધાર આરોપી નાજા દાસાભાઈ કરોતરા જાતે રબારી પકડવાનો બાકી હોઈ, પોલીસ દ્વારા આ આરોપીઓની વિગત એકત્રિત કરવાનું પણ ચાલુ કરવામાં આવેલ છે.

ભવનાથ પોલીસ દ્વારા શુભમ ઉર્ફે ડોકટર અજયભાઈ તાવડે જાતે મરાઠી વિરુદ્ઘ ખંડણી માટે પોલીસ તરીકે ઓળખ આપી, અપહરણ કર્યાના ગુન્હામાં ધરપકડ કરી, પકડાયેલ આરોપીઓ ભૂતકાળમાં કોઈ ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ...? આ સિવાય કોઈ બીજા ગુન્હાઓ આચારેલા છે કે કેમ...? વિગેરે મુદ્દાઓ સર પુછપરછ હાથ ધરી, કોર્ટમાં રજૂ કરી, જેલ હવાલે કરવામાં આવેલ છે. ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા મુખ્ય સૂત્રધાર આરોપીને પકડી પાડવા માટે વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

(1:17 pm IST)