Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

બગસરાના આઠ વર્ષના બાળકની વીજળી બચાવવા માટે અનેરી પ્રેરણા

(દર્શન ઠાકર દ્વારા)બગસરા તા.૧૧: હાલના સમયમાં રાજય સરકાર તથા સામાજિક સંગઠનો દ્વારા લોકોને પર્યાવરણના રક્ષણ અર્થે વીજળી બચાવવા માટે અનુરોધ કરવામાં આવે છે તેવા સમયે બગસરાના એક ૮ વર્ષના બાળકે રવિવારના દિવસે ઘરના તમામ સભ્યોને વીજળી બચાવવા માટે અનુરોધ કરી અન્યને પ્રેરણા પૂરી પાડી છે.

બગસરાના વિવેકાનંદ નગર શેરી નંબર ૩ માં વસવાટ કરતા વિપ્ર પરિવારના રિધ્ધીબેન અને આશિષભાઈ ત્રીવેદીના પુત્ર જૈમીન દ્વારા પોતાના માતા-પિતા સમક્ષ એક અલગ પ્રકારની માગણી મૂકી હતી જેમાં તેણે રવિવારના દિવસે સંપૂર્ણ દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની વીજળીનો ઉપયોગ ન કરવા અને વીજળી બચાવવા માટે ઘરના દાદા-દાદી સહિતના તમામ સભ્યોને સમજાવ્યા હતા. આ વાત માત્ર કહેવા ખાતરની ન રહેતા જૈમીન દ્વારા સમગ્ર દિવસ દરમિયાન ઘરના સભ્યો પર ધ્યાન રાખવામાં આવ્યું હતું કે બીજા ધોરણમાં અભ્યાસ કરતા જૈમીનને પૂછવામાં આવતા તેણે પોતાની બાળ સહજ ભાષામાં જણાવ્યું હતું કે જાહેર માધ્યમો દ્વારા વારંવાર વીજળી બચાવવા માટે જણાવવામાં આવે છે આજે રજા ના દિવસે એ વિચારોને અમલમાં મૂકવાની ઇચ્છા થતાં ઘરના સભ્યોને આ માટે સમજાવ્યા હતા. બાળકને પર્યાવરણ બચાવવાની ભાવનાને ઘરના તમામ સભ્યોએ સહકાર આપી પૂરો દિવસ વીજળી વગર વિતાવવાનો નિર્ણય કરી બાળકને પ્રોત્સાહિત કર્યો હતો.

(1:23 pm IST)