Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વાંકાનેરના ધર્મનગર ગ્રામ પંચાયતમાં આવતી મહાદેવનગર અને કિશાન સોસાયટીમાં ગંદકીના ગંજ

મામલતદારને વિસ્તારની બહેનોએ આવેદનપત્ર આપી વેદના રજૂ કરી

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૧૧:. પંચાસર રોડ નજીક આવેલ ધર્મનગર ગ્રામ પંચાયત હેઠળની મહાદેવનગર સોસાયટી અને કિશાન સોસાયટીની ૨૫ જેટલી બહેનો સેવા સદન ખાતે પહોંચી હતી અને બન્ને સોસાયટીમાં ભૂગર્ભ ગટર ન હોય ઘર વપરાશનું બધુ ગંદુ પાણી બહાર શેરીમાં નિકળતુ હોય આ માટે જરૂરી પગલા ભરવાની માંગ સાથેનું આવેદનપત્ર વાંકાનેર મામલતદાર એસ.એસ કેલૈયાને આપ્યુ હતું.
આવેદનપત્રમાં તેમની સોસાયટીમાં ભૂગર્ભ ગટર નહી હોવાને કારણે ઘર વપરાશ અને સફાઈમાં વપરાતુ ગંદુ પાણી ગટરના અભાવે શેરીમા અને આસપાસની ખુલ્લી જગ્યામાં તળાવડા જેમ ભરાયેલુ રહે છે જે દુર્ગંધ ઉંપરાંત માખી-મચ્છરનો ઉંપદ્રવ પણ વધી રહ્યો છે અને આને કારણે માંદગી વધે રોગચાળો ફેલાય તેમ છે.
વર્તમાન સમયમાં કોરોનાની ત્રીજી લહેર પણ ચાલુ છે. આ ગંદકીને લઈને અમારી સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલા આ ખરાબ પાણીના નિકાલની વ્યવસ્થા લાગતા વળગતા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે તેવી માંગણી સાથે સોસાયટીમાં ભરાયેલા ગંદા પાણીના ફોટા પણ મામલતદાર સમક્ષ રજુ કરી તેમની વેદના વર્ણવી હતી. મામલતદારશ્રી કેલૈયાએ તુરંત તાલુકા પંચાયતના અધિકારીને ફોન કરી ઉંપરોકત બન્ને સોસાયટીના પ્ર‘નું નિરાકરણ લાવવા જણાવ્યુ હતું.

 

(10:38 am IST)