Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સરધારની સીમમાં એમપીના મજૂર વીરસીંગની પથ્થરથી માથું છૂંદી ભેદી હત્યાઃ બે વર્ષનો પુત્ર સચીન ગંભીર

૨૭ વર્ષનો વીરસિંગ પુત્રને સાથે લઇ રાજકોટ સાળા પાસેથી કપડા લઇ પરત આવતો'તો ત્યારે હરિપર રોડ પર ઢાળી દેવાયો : મજૂરની ઘટના સ્થળે જ લોથ ઢળીઃ તેના પુત્રને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયોઃ હત્યાનો ભોગ બનનારની પત્નિ જાનુના બીજા લગ્ન છેઃ રહસ્ય ઉકેલવા આજીડેમ પોલીસની મથામણઃ વીરસીંગ બે વર્ષથી સરધાર રહી મજૂરી કરતો'તો : આજીડેમ પોલીસે એક હત્યાની તપાસ પુરી કરી ત્યાં બીજી હત્યા જાહેર થઇ હત્યાનો ભોગ બનનાર વીરસિંગનો મોબાઇલ સ્વીચ ઓફ અને ગાયબ વીરસીંગને છેલ્લે તેના ભાઇ કમરૂ સાથે ફોનમાં વાતચીત થઇ હતી

તસ્વીરમાં ઘટના સ્થળે વીરસીંગનો મૃતદેહ, હોસ્પિટલે ખસેડાયેલો મૃતદેહ અને હુમલામાં ગંભીર રીતે ઘાયલ તેનો પુત્ર સચીન (ઉ.૨) સારવારમાં નજરે પડે છે.

રાજકોટ તા. ૧૧: શહેરના આજીડેમ પોલીસે ગઇકાલે એક હત્યાના બનાવની તપાસ હજુ પુરી કરી હતી ત્યાં જ બીજી હત્યાનો બનાવ જાહેર થયો હતો. સરધાર ગામની સીમમાં હરિપર રોડ પર મુળ મધ્યપ્રદેશના ૨૭ વર્ષિય યુવાન અને તેના ૦૨ વર્ષના પુત્ર પર કોઇએ પથ્થરથી હુમલો કરતાં યુવાનનું માથું છૂંદાઇ જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે બે વર્ષના પુત્રને ગંભીર ઇજા પહોંચી હોઇ રાજકોટ સારવાર અપાવી અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો છે. ભેદી હત્યા અને હત્યાના પ્રયાસના આ બનાવમાં આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુરના બેહડવા ભવરા ભાભરા ગામનો વતની વીરસીંગ મહોબતભાઇ શીંગાળ (ઉ.વ.૨૭) બે વર્ષથી સરધારની સીમમાં આવેલી હરેશભાઇ બચુભાઇ પાનસુરીયાની વાડીમાં પત્નિ જાનુબેન અને બે પુત્ર સચીન (ઉ.૨) તથા અશ્વિન (ઉ.૨ માસ) સાથે રહી ખેત મજૂરી કરે છે. વીરસીંગે જેની સાથે લગ્ન કર્યા છે એ જાનુબેનના આ બીજા લગ્ન છે. તેણીના પ્રથમ લગ્ન મધ્યપ્રદેશના આલમસિંગ બલવારી સાથે થયા હતાં. સાત વર્ષ પહેલા આ લગ્ન થકી એક પુત્ર ચંદુનો જન્મ થયો હતો. જે તેણીના પિતા શંકરભાઇ સાથે છે. બે વર્ષ આલમસિંગ સાથે લગ્ન સંસાર ચાલ્યા પછી છુટાછેડા થઇ ગયા હતાં. એ પછી તેણીએ આજથી પાંચ વર્ષ પહેલા વીરસીંગ સાથે બીજા લગ્ન કર્યા છે.

વીરસીંગનો સાળો લાલસિંગ અને સાળી સોનલ તથા સાળાની ઘરવાળી એમ બધા ધોરાજી વાડી વાવવા રાખી હોઇ ત્યાં રહે છે. સોમવારે આ ત્રણેય વતનથી ધોરાજી આવ્યા હોઇ અને સાથે કપડા લાવ્યા હોઇ જેથી સાળા લાલસિંગ પાસેથી કપડા લેવા જવા વીરસીંગ સરધારથી સાયકલ લઇને નીકળ્યો હતો. તેણે સાથે બે વર્ષના પુત્ર સચીનને પણ લીધો હતો.

વીરસીંગ અને પુત્ર સચીન સરધાર પહોંચ્યા પછી સાયકલ ત્યાં મુકી દીધી હતી અને ખાનગી વાહનમાં રાજકોટ ગયા હતાં. જ્યાં સાળા લાલસીંગને મળી કપડા લીધા હતાં. એ પછી છેલ્લે વીરસીંગે તેના નાના ભાઇ કમરૂ સાથે ફોનમાં વાત કરી હતી. જાનુબેન પતિ અને પુત્ર રાજકોટથી પરત આવે એની રાહમાં હતી ત્યાં સાંજે પોલીસ તે વાડીએ પહોંચી હતી અને તેણીના પતિ વીરસીંગની સરધારની સીમમાં વાડી નજીક હરિપર રોડ પર કોઇએ માથામાં પથ્થર ફટકારી મરી નાંખ્યાની અને પુત્ર સચીન (ઉ.૨)ને પણ ગંભીર ઇજા પહોંચી હોવાની જાણ કરી હતી.

૧૦૮ને જાણ થતાં ઇએમટી કાળુભાઇ ગોહીલ અને પાઇલોટ સંજયભાઇ કલોતરાએ પહોંચી કાર્યવાહી કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા બાળક સચીનને રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહિથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. પતિની હત્યાની જાણ થતાં જ જાનુબેન સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતાં. તેણીના પતિનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ હતો અને ગાયબ હતો.

આજીડેમ પોલીસે જાનુબેનની ફરિયાદ પરથી તેના પતિની હત્યા અને પુત્રની હત્યાની કોશિષ કરવા સબબ અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૦૨, ૩૦૭, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી તપાસ આરંભી છે. જાનુબેને કહ્યું હતું કે તેના પતિ વીરસીંગને કોઇ સાથે માથાકુટ હતી નહિ. તેણીને કોઇ પર શંકા પણ નથી. હત્યાનો ભોગ બનનાર વીરસીંગ ત્રણ ભાઇ અને છ બહેનમાં વચેટ હતો. તેની નાનો ભાઇ કમરૂ અને એક બહેન કલા અહિ સરધાર તેની સાથે રહે છે. જ્યારે બીજી ત્રણ બહેનો અને એક ભાઇ ટંકારા રહી મજૂરી કરે છે. વીરસીંગના પિતા મહોબતભાઇ વતનમાં છે, માતા હયાત નથી.

વીરસીંગની હત્યા કોણે અને શા માટે કરી? બે વર્ષના માસુમ બાળકને પણ શા માટે ફટકાર્યો? આ રહસ્ય ઉકેલવા પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એચ. એલ. રાઠોડની  સુચના મુજબ આ પીઆઇ વી.જે.ચાવડા તથા પો.સબ ઇન્સ. એમ.ડી.વાળા, એએસઆઇ જાવેદભાઇ રિઝવી, એએસઆઇ વાય. ડી. ભગત, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા,  કૌશેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, જયપાલભાઇ બરાળીયા તથા ભીખુભાઇ મૈયડે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. (૧૪.૫)

બે વર્ષના બાળકને શા માટે ફટકાર્યો?

. ક્રુર હત્યારાએ વીરસીંગને પથ્થર ફટકારી પતાવી દીધો હતો અને સાથે તેના માસુમ બે વર્ષના પુત્ર સચીનને પણ ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બાળકનો શું દોષ? એવો સવાલ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. બાળકને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં રીફર કરાયો છે.

(11:01 am IST)