Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ઠંડીનો ધ્રુજારો યથાવતઃ ગિરનાર ૪.૪, નલીયા પ.૮ ડીગ્રી

લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉંતરતા ટાઢોડુઃ ગરમ વસ્ત્રોના સહારે લોકોઃ મોડી રાત્રીના રસ્તાઓ સુમસામ

રાજકોટ,તા. ૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ટાઢોડુ યથાવત છે. આજે પણ ગિરનાર પર્વત ઉંપર ૪.૪ ડિગ્રી, નલીયા ૫.૮ ડિગ્રી, રાજકોટમાં ૯.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉંતરતા ટાઢોડુ છવાઇ ગયું છે. અને લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઇને ઘરની બહાર નીકળી રહ્યા છે. મોડી રાત્રીના રસ્તાઓ સુમસામ થઇ જાય છે.
જૂનાગઢ
(વિનુ જોષી) જૂનાગઢઃ જૂનાગઢ સહિત સોરઠમાં આજે પણ ઠંડીનું મોજુ ફરી વળતા જનજીવનને અસર થઇ હતી.
ગઇ કાલે નવા સપ્તાહના પ્રથમ દિવસે ગિરનાર ખાતે રેકોર્ડબ્રેક બે ડિગ્રી ઠંડી નોંધાયા બાદ આજે લઘુતમ તાપમાનનો પારો ઉંપર ચડીને ૪.૪ ડિગ્રીએ સ્થિર થયો હતો.
આમ ગિરનાર પર ઠંડીમાં આંશિક ઘટાડો થયો હતો. પરંતુ ઠારને લઇ કાશ્મીર જેવું ઠંડુગાર વાતાવરણ રહ્યુ હતું.
જૂનાગઢમાં ગઇ કાલની સરખામણીએ આજે ૨.૪ ડિગ્રી તાપમાન વધતા ૯.૪ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.
પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહેતા શીતલહેર દોડી ગઇ હતી. આજે ૬.૩ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુકાતા ઠંડી વધુ કાતિલ બની હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ઠંડીનું મોજુ ફેલાઇ ગયું છે. ઠંડા પવનને કારણે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે અને રાત્રે લોકોની અવરજવર ઓછી દેખાય છે. લોકો ગરમ વસ્ત્રો પહેરીને જ બહાર નીકળે છે. ભાવનગર શહેર અને જિલ્લા આજે મંગળવારે મહતમ તાપમાન લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે ભેજનું પ્રમાણ ૯ ટકા અને પવનની ઝડપ ૧૦ કિલોમીટર નોંધાઇ હતી.


 

(11:01 am IST)