Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

અમરેલી જિલ્લાના કેન્દ્રો ઉપર

બુસ્ટર ડોઝની આપવાની શરૂઆત

અમરેલી તા. ૧૧ : રાજયમાં ફ્રન્ટલાઈન વર્કર્સ, હેલ્થકેર વર્કર્સ, ૬૦ વર્ષથી વધુની આયુના અને અન્ય ગંભીર બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેકિસનનો બુસ્ટર ડોઝ આપવાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે અમરેલીના વિવિધ કોરોના રસીકરણ કેન્દ્રો ખાતે ફ્રન્ટલાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને કોરોના વેકિસનના બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ૬૦થી વધુ વય ધરાવતા અને ફ્રન્ટલાઈન તથા હેલ્થ વર્કર્સ જેઓએ કોરોના રસીકરણના બંને ડોઝ લઇ લીધા છે અને આપવામાં આવેલ બીજા ડોઝની તારીખથી ૦૯ મહિના (૩૯ અઠવાડિયા પૂર્ણ) થયા હોય તેમણે આ બુસ્ટર ડોઝ લેવાનો રહેશે. જેથી કોરોના સામેની મહામારીમાં સંક્રમણથી બચી શકાય. ૬૦ થી વધુના વયસ્કો જેઓ કોમોર્બિડ કે ગંભીર બીમારી ધરાવે છે અને જેઓએ અગાઉ બંને ડોઝ લીધા હોઈ તેમને ડોકટરની સલાહ મુજબ બુસ્ટર ડોઝ આપવામાં આવશે.

ગત ૩ જાન્યુઆરીથી સમગ્ર દેશ અને રાજયમાં ૧૫ થી ૧૮ વયજુથના તરૂણોને રસી આપવાની શરૂઆત થઈ છે તેને ખુબ સારો પ્રતિભાવ મળી રહયો છે. જેમાં શાળાએ ન જતા તરૂણોની પણ ઓળખ કરીને રસી આપવામાં આવી રહી છે. માત્ર છ જ દિવસના સમયગાળામાં અંદાજે જિલ્લાના ૬૦% જેટલા નોંધાયેલા બાળકોને વેકસીન આપવામાં આવી છે.

(11:39 am IST)