Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

જામનગરઃ અપ્રમાણસર મિલ્કત અંગેના એસીબીના કેસમાં આગોતરા જામીન રદ્દ

જામનગર, તા. ૧૧ :. અત્રે દેવેન્દ્રસિંહ વિજયસિંહ પરમાર, તત્કાલીન વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-૩ (હાલ નિવૃત્ત) બાંધકામ વિભાગ, જીલ્લા પંચાયત, જામનગર વિરૂદ્ધ અપ્રમાણસર મિલ્કત વસાવ્યા અંગેનો ગુનો એ.સી.બી.એ દાખલ કરતા દેવેન્દ્રસિંહે કરેલી આગોતરા જામીન અરજીને જજશ્રી દેસાઈએ રદ કરી હતી.

આરોપી દેવેન્દ્રસિંહ વિજયસિંહ પરમાર, તત્કાલીન વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-૩ (હાલ નિવૃત્ત) બાંધકામ વિભાગ, જીલ્લા પંચાયત, જામનગરવાળા વિરૂદ્ધ ભ્રષ્ટાચાર આચરી અપ્રમાણસર મિલ્કત વસાવ્યાની અરજી થયેલ. જે અરજીની પ્રાથમિક તપાસ દરમ્યાન તા. ૧-૨-૨૦૦૫થી તા. ૩૧-૩-૨૦૧૫ના સમયગાળા દરમ્યાન પોતાના તથા પોતાની પત્ની તથા પોતાના પુત્ર તથા પોતાની પુત્રીના નામે સ્થાવર/જંગમ મિલ્કતોમાં કુલ રોકાણ / ખર્ચ કુલ રૂ. ૭૯,૩૫,૮૨૬નું કરેલ છે. જ્યારે તેમની તથા તેમના પત્ની તથા તેમના પુત્રીની આ સમયગાળા દરમ્યાનની કાયદેસરની કુલ આવક રૂ. ૫૪,૫૮,૫૯૧ની થાય છે અને તેટલુ જ રોકાણ કરવા તેઓ સક્ષમ છે. તેમ છતા આરોપી દેવેન્દ્રસિંહ વિજયસિંહ પરમારે પોતાની જામનગર જીલ્લા પંચાયત ખાતેની રાજ્ય સેવક તરીકેની કાયદેસરની ફરજ દરમ્યાન ભ્રષ્ટ રીતરસમો અપનાવી, પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરી ગુન્હાહીત ગેરવર્તણુંક આચરી, લાંચીયાવૃત્તિથી પોતાના અંગત લાભ માટે ગેરકાયદેસર અવેજ દ્વારા નાણા મેળવી તે નાણામાંથી પ્રાથમિક દ્રષ્ટીએ તેમની કાયદેસરની આવકના સ્ત્રોત કરતા રૂ. ૨૪,૭૭,૨૩૫ (ચોવીસ લાખ સીત્તોતેર હજાર બસો પાંત્રીસ પુરા)ની અપ્રમાણસરની મિલ્કતો વસાવેલ હોય જે આવકના પ્રમાણમાં ૪૫.૩૮ ટકાનું સ્થાવર / જંગમ મિલ્કતોમાં અપ્રમાણસરનું રોકાણ કરેલ હોવાનું તપાસ દરમ્યાન ફલીત થયેલ હોય, જેથી તેઓના વિરૂદ્ધ પ્રાથમિક તપાસના અંતે પોલીસ ઈન્સ્પેકટર એ.ડી. પરમાર એ.સી.બી. પો.સ્ટે. જામનગરનાઓએ શ્રી સરકાર તરફે ફરીયાદી બની જામનગર એ.સી.બી. પો.સ્ટે.માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને ૧૯૮૮ની કલમ ૧૩(૧)ઈ તથા ૧૩(૨) મુજબ ગુન્હો દાખલ કરેલ હતો.

(11:40 am IST)