Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મોરબીમાં ખાતમુહૂર્ત થયેલા કામો શરૂ કરવા તેમજ સાઈટ પર એગ્રીમેન્ટની કોપી સાર્વજનિક કરવા માંગ.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત

મોરબીમાં નવા ખાતમુર્હત કરેલ કામો ચાલુ કરવા તેમજ તે કામોની એગ્રીમેન્ટની કોપી સાર્વજનિક કરવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવાયું છે કે લોકોના કહેવા મુજબ મોરબીમાં સરકારના મંત્રી તેમજ નગરપાલિકા પોતાની તેમજ પાર્ટીની પ્રસિદ્ધિ માટે ઘણા ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. પરંતુ તેમાંથી અમુક જ કામો ચાલુ થયેલ છે. સરકારના નિયમની જોગવાઈ મુજબ જે જગ્યાએ કામ ચાલતું હોય ત્યાં સરકાર કે નગરપાલિકા દ્વારા જે-તે કામના કોન્ટ્રાક્ટરની સાથે કરવામાં આવેલ અગ્રીમેન્ટની એક નકલ ચાલુ થઇ ગયેલા કામની સાઈટ ઉપર રાખવી તેવો નિયમ છે. પરંતુ હાલમાં ચાલતા એકપણ કામ ઉપર એગ્રીમેન્ટની કોપી રાખવામાં આવતી નથી.
આ એગ્રીમેન્ટની કોપી ના હોવાના કારણે કોઈપણ નાગરિકો આ બાબતે કોઈ જાણકારી મેળવી શકતા નથી. જેથી, કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગત જો થઇ જાય તો મોટા પાયે ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓ રહેલ છે. જો સ્થળ ઉપર આ અગ્રીમેન્ટની કોપી હોય તો કોઈપણ નાગરિક એ જાણી શકે આ કામ કેટલી રકમનું છે, કેટલા સમયમાં પૂરું કરવાનું છે, કામની લંબાઈ, પહોળાઈ, જાડાઈ કે માપ બાબતે પણ જાણી શકે, કામની ગુણવત્તા બાબતે પણ માહિતી મેળવી શકે, કામ ના સ્પેસીફીકેશન પણ જોઈ શકે અને જો કામ સ્પેસીફીકેશન મુજબ ના થતુ હોય તો જે-તે લગત અધિકારીઓનો સંપર્ક કરીને જાણ કરી શકે. જેથી, સરકારના પૈસા કે જાહેરજનતા પાસેથી ઉઘરાવેલ ટેકસના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય અને ગેરરીતી થવાના ચાન્સ ઘટે. તો આ માટે આ એગ્રીમેન્ટની કોપી નિયમ મુજબ સ્થળ પર ઉપલબ્ધ થાય તેવું કરવા વિનંતી કરાઈ છે.
આ ઉપરાંત, હીરાસરીના માર્ગનું કામ ચાલુ થયેલ છે, જે કામ મુખ્યમંત્રીને કરેલ રજૂઆતથી મંજુર થયેલ છે, જેનું ખાતમુર્હત કર્યાં પછી ઘણા દિવસો બાદ કામ ચાલુ કરેલ છે. આ અગાઉ આ રસ્તાનું કામ જયારે થયેલ ત્યારે તેમાં ગેરરીતી થયેલનું જાણવા મળેલ હતું. કામની ગુણવતા પણ નબળી થયેલ હતી. જેના કારણે સિમેન્ટ કોન્ક્રીટ રોડ જલ્દી તૂટી જવા પામેલ હતો. આ વાતનું પુનરાવર્તન ના થાય તે માટે વિનંતી કરાઈ છે કે આ કામમાં હવે જો કોઈ ગેરરીતી થશે તો એ ચલાવી લેશું નહી, તે માટે આ કામના એગ્રીમેન્ટની નકલ જોઈએ છે, જે સ્થળ પર નથી. જો સ્થળ પર રાખવામાં આવે તો તેમાંથી વાંચીને કામ યોગ્ય થાય છે કે નહિ તે જાણી શકીએ અને જો યોગ્ય ના થતુ હોય તો તે બાબતે અવગત કરાવી શકીએ, તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા વિનંતી કરાઈ છે. જો આવું કરવામાં નહિ આવે તો નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ફરજ પડશે. તો આ બાબતે નોંધ લઇ તાત્કાલિક યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે.

(11:54 am IST)