Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મોરબી જિલ્લા પંચાયતના અધિકારીઓ ચેરમેનોને પણ નથી ગાંઠતા : ખુદ બાંધકામ સમિતિના ચેરમેનનો સ્વિકાર!!

બાંધકામ સમિતિના ચેરમેને નબળા કામ કરતી એજન્સીને છાવરતા અધિકારીઓનો ઉધડો લીધો : અધૂરા કામ કરનાર એજન્સીઓ બ્લેક લિસ્ટ થશે??

 મોરબી જિલ્લા પંચાયતમાં પોપાબાઈનું રાજ હોય તેવી સ્થિતિ વચ્ચે ખુદ ચેરમેનોને જ અધિકારીઓ ગાંઠતા નથી ત્યારે સામાન્ય પ્રજાની તો કોઈ વિષાત જ ન હોવાનું ખુદ બાંધકામ સમિતિના ચેરમનેને સ્વીકારી આજે નબળી કામગીરી કરનાર એજન્સીઓને છાવરનાર અધિકારીઓનો રીતસર ઉધડો લઈ નાખ્યો હતો.
મોરબી જિલ્લા પંચાયતમાં વર્ષો બાદ ભાજપ બહુમત સાથે સતા ઉપર આવ્યું છે પરંતુ અત્યાર સુધી કોંગ્રેસ શાસનમાં પોલમપોલ ચલાવનાર અધિકારીઓ કોન્ટ્રાકટર કે એજન્સીના થાબડ ભાણા કરતા હોય હાલમાં અનેક મંજુર થયેલા કામો ઢીલી નીતિને કારણે પૂર્ણ થઈ શક્યા નથી.
બીજી તરફ મોરબી જિલ્લા પંચાયતમાં પ્રજાલક્ષી કામો કરવામાં અધિકારીઓને જાણે તકલીફ પડતી હોય તેવું વર્તન અધિકારીઓ દાખવી રહ્યા છે. અને કોઈપણ કામ બાબતે અધિકારીઓ જુદી – જુદી સમિતિના ચેરમેનને પણ ગાંઠતા ન હોવાનો સ્વીકાર કરી બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ આજે તમામ અધિકારીઓની બેઠક બોલાવી આવી લાલીયા વાળી નહિ ચલાવી લેવાય તેવું સ્પષ્ટ ભાષામાં જણાવ્યું હતું.
વધુમાં ચેરમેન અજય લોરીયાએ ઉમેર્યું હતું કે, હાલમાં અનેક કામો એવા છે જે સમય મર્યાદામાં પૂર્ણ થયા નથી અને અનેક કામો મંજુર થવા છતાં કોઈને કોઈ કારણોસર શરૂ થયા ન હોય આવા તમામ કામો સત્વરે શરૂ કરવા તેમજ અધૂરા કામ છોડનાર કોન્ટ્રાકટર એજન્સીને બ્લેક લિસ્ટ કરવા પણ કડક પણે તાકીદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રવિવારે બાંધકામ સમિતિ ચેરમેન લોરીયા અને રાજયમંત્રી મેરજાએ સાથે રહી મોરબી જેતપર વચ્ચે ચાલતા કામમાં નમૂના લેવડાવવાની કાર્યવાહી કરી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને શાનમાં સમજી જવા પણ ઈશારો કર્યો છે. તેવામાં આજે અધિકારીઓને વધુ એક તાકીદ કરી નબળી કામગીરી કરનાર અને અધૂરા કામ રાખનાર એજન્સીઓને બ્લેકલીસ્ટ કરવા પણ સૂચના આપી હતી.

(11:56 am IST)