Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

નર્મદા મુદ્દે કચ્છમાં ઉગ્ર ધરણા: કચ્છ બંધની ચીમકી સાથે કિસાનો દ્વારા સાંસદ, ધારાસભ્યોને ઘેરાવ, સરકારી કાર્યક્રમોનો બહિષ્કારનું એલાન

સંતોએ સરકારને કહ્યું સરદાર પટેલનું સ્વપ્ન પૂરું કરો, આજે ભુજમાં ખેડૂતો, તમામ સમાજો અને સાધુ સંતો ઉમટ્યા, જો ૨૦ જાન્યુ. સુધી સરકાર વહીવટી મંજુરી નહી આપે તો ૨૧ મીથી વિરોધ આંદોલનની ચીમકી

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ::: દુષ્કાળ અને પાણીની અછત ધરાવતાં કચ્છ જિલ્લામાં નર્મદાનું સિંચાઇનું પાણી હજી પૂરું પહોંચી શક્યું નથી. સરકારની જાહેરાતો વચ્ચે વાસ્તવિકતા એ છે કે, નર્મદાના સિંચાઈની કેનાલના કામ હજી અધૂરા છે. તો, વધારાના એક મિલિયન એકર ફીટ પાણી માટે બ્રાંચ કેનાલના કામો પણ હજી હાથ ધરાયા નથી. ગત રૂપાણી સરકારે કચ્છમાં નર્મદાના નીર માટે ઉઠેલી માંગને પગલે સૈદ્ધાંતિક મંજુરી આપી હતી. પણ, તે પછીયે કોઈ કામ આગળ વધતાં નથી. તાલુકા કક્ષાએ આ અંગે લડત ચલાવ્યા બાદ આજે ભુજ મધ્યે કચ્છના ખેડૂતોએ ધરણા યોજીને પોતાનો આક્રમક મિજાજ દેશાવ્યો છે. કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ આ વખતે આકરા પાણીએ છે. આજે ભુજના ટીન સીટી ગ્રાઉન્ડમાં યોજાયેલા ધરણા કાર્યક્રમમાં કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ નર્મદાના મુદ્દે જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જો, ૨૦ જાન્યુ. સુધીમાં સરકાર કચ્છ જિલ્લાના નર્મદાના સિંચાઈના પાણી માટે સૈદ્ધાંતિક મંજુરી નહીં આપે તો ૨૧ જાન્યુઆરીથી કચ્છ વ્યાપી આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે. ખેડૂતો દ્વારા કચ્છ બંધનું એલાન કરીને સાંસદ, ધારાસભ્યોને ઘેરાવ ઉપરાંત સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની જાહેરાત કરાઈ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સાધુ સંતોએ સરદાર પટેલનું નર્મદાનું સ્વપ્ન પૂરું કરવા સરકારને અપીલ કરી છે. જો, કચ્છી પ્રજાની માંગણી પૂરી કરવામાં સરકાર નિષ્ફળ જશે તો સાધુ સંતો પણ વિરોધ કાર્યક્રમમાં જોડાશે એવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત કચ્છના વિવિધ સમાજોના આગેવાનો સહિત ગ્રામ પંચાયતના સરપંચો, સદસ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા  ખેડૂતો સહિત સમગ્ર કચ્છમાંથી વિવિધ સમાજના પ્રતિનિધિઓ, સાધુ સંતો જોડાયા હતા.

(3:16 pm IST)