Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

જોડીયાની ખાનગી કંપનીને ગાંધીધામના ટ્રક ચાલકે 10 લાખનો નકલી કોલસો પધરાવી દીધો

જોડીયા તાલુકાના ખીરી ગામની શ્રીજી કોટન એનર્જી પ્રા.લી.એ કંડલાથી કોલસો મંગાવેલ જે ગાંધીધામમાં કાર્ગો ઝુપડપટ્ટી વિસ્‍તારમાં રહેતા ટ્રક ચાલકે પહોંચાડયો હતો પરંતુ ટ્રકમાં નબળી ગુણવત્તાનો કોલસો જોવા મળતા ટ્રક ચાલક સામે જોડીયા પોલીસ સ્‍ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

જામનગરઃ જામનગર જીલ્લાના જોડિયા તાલુકામાં આવેલ એક ખાનગી કંપની સાથે ગાંધીધામથી કોલસો ભરીને આવેલ ટ્રક ચાલકે રૂપિયા ૧૦.૬૮ લાખની છેતરપીંડી આચરી હોવાની સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. એમાં આરોપી ટ્રક ચાલકે પોતાના ટ્રકમાં કંડલા પોર્ટ પરથી ભરેલો ઉચ્ચ ગુણવતાવાળા કોલસાની જગ્યાએ નબળો કોલસો ભરીને ધાબડી દીધો હોવાનું જાહેર થયું છે.

જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના ખીરી ગામે આવેલ શ્રીજી કોક એન્ડ એનર્જી પ્રાઈવેટ લીમીટેડ કંપનીએ કંડલાથી કોલસો મંગાવ્યો હતો. ગત તા. ૭મીના રોજ જીજે ૧૨ એઝેડ ૪૬૨૧ નંબરના ટ્રેઇલરમાં કોલસો કંપની સુધી પહોચતો કરવામાં આવ્યો હતો. ગાંધીધામમાં કાર્ગો ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા ક્રિશ્ના મુરથી નામના ટ્રક ચાલકે અહીં સુધી કોલસો પહોચાડ્યો હતો.

પરંતુ કંપની દ્વારા મંગાવવામાં આવેલ કુકિંગ કોલની જગ્યાએ આરોપી ટ્રક ચાલક નબળી ગુણવતા ધરાવતો કોલસો લઇને આવ્યો હતો. જેને લઈને કંપનીના કર્મચારી ગૌરવ નિમેશકુમાર વ્યાસે આ ટ્રક ચાલક સામે જોડિયા પોલીસમાં છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી.

જેમાં ૩૪ ટન વજન ધરાવતા રૂપિયા ૩.૩૬ લાખની કીમતના કુકીંગ જેની હાલની બજાર કિંમત રૂ.૧૦,૬૮,૦૦૦ થાય તેની જગ્યાએ નબળી ગુણવતાનો કોલ ભરી કંપની ખાતે મોકલી વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ ફરિયાદના આધારે પીએસઆઈ ચુડાસમા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

(5:47 pm IST)