Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ભુજની જી.કે.માં ૨૦ કિલો લિટરની ક્ષમતાવાળા લિકિવડ સ્ટોરેજ ટેન્કનું નિર્માણ શરૂ : કચ્છની હોસ્પિટલમાં આવું પ્રથમ સ્ટોરેજ ટેન્ક

પ્રોજેકટ શરૂ થતાં હોસ્પિટલની વર્તમાન જરૂરીયાતને પહોંચી વળાશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ૨૦ કી.લો. લિટરની ક્ષમતા ધરાવતા લિકિવડ ઓકસીજન સ્ટોરેજ ટેન્ક યુધ્ધના ધોરણે ઊભું કરવામાં આવી રહ્યું છે. જે ૧૫૦૦થી ૧૭૦૦ જમ્બો સિલિન્ડર જેટલો ગેસ સંગ્રહ કરવાનું સામર્થ્ય ધરાવતું હોવાથી હોસ્પિટલની હાલની જરૂરિયાત સંતોષી શકાશે.

ટૂંક સમયમાં જ આ સ્ટોરેજ ટેન્ક સંપૂર્ણપણે સ્થાપિત થઈ જતાં જી.કે. જનરલ હોસ્પિટલની રોજના ૬૦૦થી ૭૦૦ જેટલા જમ્બો સિલિન્ડરની જરૂરિયાત છે. જે વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળશે. એટલું જ નહીં ઓકસીજન બેન્ક તથા છૂટક ઓકિસજન બોટલના વપરાશમાથી છૂટકારો મળશે.

કચ્છ જિલ્લાના જયાં સુધી હોસ્પિટલને સબંધ છે. ત્યાં સુધી આ પ્રકારનું રીફિલ સ્ટોરેજ ટેન્ક સૌ પ્રથમવાર નિર્માણ પામી રહ્યું છે. આ રીફિલ સ્ટોરેજ ટેન્કની કાર્યપધ્ધતિની વિગતો આપતા હોસ્પિટલના બાયો મેડિકલ એંજિનિયરએ કહ્યું કે, દર બે દિવસે પ્લાન્ટ રીફિલ કરાવી શકાશે.

ટેન્કમાં ભરવામાં આવનાર ઓકિસજન લિકિવડ(પ્રવાહી) ફોર્મમાં હશે જે પ્લાન્ટના મહત્વના ગણાતા ઉપકરણ એવા વેપોરાઈડ યુનિટ પ્રવાહી ઓકિસજનને ગેસ વાયુના સ્વરૂપમાં પરિવર્તિત કરશે અને આ તબદીલ થયેલો ગેસ અર્થાત પ્રાણવાયુ (ઓકિસજન) પ્લાન્ટની સાથે જ જોડીને બનાવવામાં આવી રહેલા ૧૫૦૦ મીટરની પાઇપલાઇન મારફતે ૧૦ હજાર લિટર પર મિનિટે(LPM) ઓકસીજન  હોસ્પિટલના બેડ સુધી પહોંચશે.

સ્ટોરેજ ટેન્કની ટેકનિકલ સેફટી(સલામતી) અંગે પટેલે વધુમાં કહ્યું કે, પેટ્રોલિયમ એકસ્પ્લોઝિવ સેફટી ઓર્ગેનાઇઝેશન (PESO) માર્ગદર્શન અને રૂપરેખા મુજબ જ કામ થઈ રહ્યું છે. અને એ સંસ્થા મંજૂરીની મહોર મારે પછી જ લિકિવડ સ્ટોરેજ ટેન્ક કાર્યાન્વિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્ટોરેજ ટેન્કનું કામ નિર્ધારિત સમય કરતાં ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે. અને એક જ અઠવાડિયાના સમયગાળામાં મોટાભાગનું કામ પરિપૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

(11:01 am IST)