Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

આટકોટ હોસ્‍પિટલના મુખ્‍ય દાતા હરેશભાઇ પરવાડીયાનો અદ્‌ભૂત વતનપ્રેમ

પિતાશ્રી ગામમાં કરિયાણુ અને શાકભાજી વેંચીને ગુજરાન ચલાવતાઃ સુરતમાં સ્‍થાયી થઇને આર્થિક-સામાજીક રીતે આગળ વધ્‍યા

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૧૦ : માતુશ્રી કાશીબેન દામજીભાઇ પરવાડીયા (કે.ડી.પી.) હોસ્‍પિટલના મુખ્‍ય દાતા હરેશભાઇ પરવાડીયા છે.

હરેશભાઇ પરવાડીયા હાલ સુરત રહે છે. તેમના પિતા દામજીભાઇ કાબાભાઇ પરવાડીયા ખેડૂત પરિવારના સંતાન છે. કડવા પાટીદાર સમાજનાં દામજીભાઇ પરવાડીયાએ આટકોટમાં ખેતીની સાથે પુત્રોને ભણાવવા અને તેમના પાલન પોષણ માટે કરીયાણાની દુકાજ તેમજ ગામમાં શાકભાજી વેંચી પુત્રોને વર્ષો પહેલા સુરત મોકલ્‍યા.

માતા-પિતાની સ્‍મૃતિમાં હોસ્‍પિટલમાં કરોડનું દાન દઇ મુખ્‍યદાતા બન્‍યા છે. તેવા હરેશભાઇ પરવાડીયાને સુરત ખાતે લવજીભાઇ ડુંગરભાઇ ડાલિયા (લવજી બાદશાહ)નું માર્ગદર્શન મળ્‍યુ અને તેમની હેઠળ રહી હરેશભાઇએ પણ તેમની કુશળતા અને નસીબના જોરે વ્‍યવસાયમાં ખૂબ જ મોટુ નામ કર્યું. ટુંકા ગાળામાં હરેશભાઇ આર્થિક તેમજ સામાજીક રીતે ખૂબ જ આગળ વધ્‍યા.

જન્‍મભૂમિ અને માતૃભૂમિ પ્રત્‍યે તેમનો આજે પણ અનહદ પ્રેમ છે. તેના ભાગ રૂપે જ તેમણે આટકોટ ખાતે કે.ડી.પી. હોસ્‍પિટલમાં મુખ્‍ય દાતા બની વતનનું ઋણ ચુકવ્‍યું.

હરેશભાઇ હાલ આટકોટ કન્‍યા છાત્રાલયમાં દાતા તેમજ ટ્રસ્‍ટી છે.અમદાવાદ ખાતે આવેલા સરદાર ધામ, વિશ્વ ઉમિયાધામ, કિરણ હોસ્‍પિટલ સુરત તેમજ અનેક સેવાકીય સંસ્‍થાઓમાં દાતા અને ટ્રસ્‍ટી તરીકે સેવા આપે છે.

હરેશભાઇની જન્‍મભૂમિ પ્રત્‍યેનો લગાવ, અભિલાષા અને વતન પ્રત્‍યેની ફરજ પુરી કરવા તેમના માતા-પિતાના નામથી આ હોસ્‍પિટલમાં મુખ્‍ય દાતા બની ખરેખર તેમણે વતન પ્રત્‍યેનું ઋણ પુરૂ કર્યું. 

(10:40 am IST)