Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ભાવનગરના રૂવાપરી માતાજી મંદિરે ઐતિહાસિક ઘટનાઃ રાજવી યુવરાજ જયવિરરાજસિંહજીના માથા ઉપર ચકલી આવીને બેસી ગઇ

મહારાજા કૃષ્‍ણકુમારસિંહજીના ભાલા ઉપર પણ ચકલી આવીને બેસી જતીઃ ચકલીરૂપે માતાજીની પ્રત્‍યક્ષ હાજરી હોવાની ભાવિકોને આસ્‍થા

ભાવનગરઃ ભાવનગરના રૂવાપરી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં યોજાતા પુજનવિધીના સમયે એક ચકલી જયવિરસિંહના માથા પર આવી બેસી ગઇ હતી. લોકો શ્રદ્ધા સાથે ભાવવિભોર થયા હતા. ઇતિહાસ જીવંત થયો હોય તેમ મહારાજ કૃષ્‍ણકુમારસિંહજી સાથે પણ આવુ જ બનતુ તેમ ચર્ચા કરવા લાગ્‍યા હતા.

વર્ષો બાદ ભાવનગરમાં એક એવી ઘટના બની, જે જોઈને લોકોને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની યાદ આવી ગઈ. ભાવનગરના રૂવાપરી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં પૂજન વિધિ સમયે એક ચકલી રાજવી પરિવારના યુવરાજ જયવિરરાજસિંહજીના માથે આવીને બેસી ગઈ હતી. ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી પણ જ્યારે કોઈ શુભ કાર્ય કરતા તો એક ચકલી ત્યા આવી જતી હતી, તો આ પ્રસંગ નિહાળીને લોકો ભૂતકાળમાં સરી પડ્યા હતા.

ભાવનગર શહેરના રૂવાપરી માતાજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. રાજવી પરિવાર ના યુવરાજ જયવિરરાજસિંહની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ હતું. ત્યારે પૂજન વિધિ સમયે એક ચકલી યુવરાજ જયવિરરાજસિંહના મસ્તક પર આવીને બેસી ગઈ હતી. આ એક સામાન્ય વાત લાગે પરંતુ નવાઈની વાત તો એ છે, કે જ્યારે પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી કોઈ શુભ કાર્ય કરે તે પહેલા તેમના ભાલા પર એક ચકલી આવીને બેસી જતી હતી. કૃષ્ણકુમારસિંહજી મા ખોડિયાર અને માં રૂવાપરીને ખૂબ માનતા હતા. જેથી ચકલી રૂપે માતાજીની પ્રત્યક્ષ હાજરી હોવાની શ્રદ્ધા હતી અને તેથી જ ચકલીના ભાલા પર આગમન પછી જ મહારાજા પોતાના શુભ કાર્યનો આરંભ કરતા હતા.

રૂવાપરી માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પણ યુવરાજ જયવિરરાજસિંહજીના સિરે ચકલી બેસતા લોકો શ્રદ્ધા સાથે ભાવ વિભોર બન્યા હતા. આમ, ચકલી પણ યુવરાજને આર્શીવાદ આપવા આવી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના 9 મા રાજા

ભાવનગર રાજ્યના ૯મા મહારાજા તરીકે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 34 વર્ષ સુધી શાસન કર્યુ હતું. મહારાજા ભાવસિંહજી (બીજા)ના નિધન બાદ માત્ર 7 વર્ષની ઉંમરે તેમના માથા પર રાજ્યની જવાબદારી આવી હતી. પરંતુ પુખ્ય વય થયા બાદ તેઓએ 1931 માં રાજગાદી સંભાળી હતી. પ્રજાનું હરહંમેશ કલ્યાણના ભાવ સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દાદા અને પિતાનો વારસો જાળવી રાખી અનેક કલ્યાણકારી કાર્યો છે, જેની આજે પણ ગોહિલવાડની ખમીરવંતી ધરા પુરાવા આપે છે.

(5:33 pm IST)