Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

હળવદ પંથકમાં માસુમ બાળા ઉપર દુષ્‍કર્મ ગુજારનારને પોલીસે વેશપલ્‍ટો કરીને ઝડપી લીધો

મધ્‍યપ્રદેશથી જીતેન્‍દ્ર ઉર્ફે જીતેન ખીમલા ભાભોરને ઝડપી લઇને પુછપરછ

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧૧:તાલુકાના શિરોઈ ગામની સીમમાં નરાધમ શખ્‍સે માસુમ કુમળી વયની બાળકી ઉપર દુષ્‍કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. જો કે, હળવદ પોલીસે આ જધન્‍ય કેસમાં ટેક્‍નિકલ સોર્સની મદદથી ગણતરીની કલાકોમાં જ આરોપીને વેશપલટો કરી દબોચી લઈ પ્રસંશનીય કામગીરી કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસ સ્‍ટેશનમાં તા.૭દ્ગક્ર રોજ ભોગબનનાર બાળકીના પરિવારજનો દ્વારા ચોંકાવનારી ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી જીતેન્‍દ્ર ઉફે જીતેન ખીમલા ભાભોર, ઉ.૨૮ રહે ગામ-બકીયા તા.પેટલાવદ જી.જામ્‍બુવા મધ્‍યપ્રદેશ વાળાએ તેમની આશરે ૧૧ વાળી દીકરીને બળજબરી પુર્વક શીરોઈ ગામની સીમમાં નવઘણભાઈ જગાભાઈ પંચાસરાની વાડીની ઓરડીમાં લઈ જઈ દુષ્‍કર્મ ગુજરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય બાળકી ગભરાઈ ગઈ હતી પરંતુ પરિવારજનોએ બાળકીની સ્‍થિતિ જોતા પરિસ્‍થિતિ પામી જઈ તાકીદે પોલીસ મથકે જાણ કરી હતી.

દરમિયાન આ ગંભીર બનાવને અનુસંધાને જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ સત્‍વરે આરોપીને શોધી કાઢવા સુચના આપતા મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ હળવદ પીઆઇ કે.જે.માથુકીયાએ હળવદ પોલીસ સ્‍ટાફની એક સ્‍પેશીયલ ટીમ બનાવી આરોપીને પકડી પાડવા ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સોર્સને આધારે આરોપી જીતેન્‍દ્ર ઉર્ફે જીતેન મધ્‍યપ્રદેશ હોવાની માહિતી મળતાએક ટીમ તાત્‍કલીક મધ્‍યપ્રદેશ રવાના કરી આરોપી જીતેન્‍દ્ર ઉફે જીતેનને ગણતરીની કલાકમાં મધ્‍યપ્રદેશ ખાતેથી દબોચી લેવામાં આવ્‍યો હતો.

ઉલ્લેખનીય છે કે, મધ્‍યપ્રદેશના અજાણ્‍યા વિસ્‍તારમાં આરોપીને પકડવો મુશ્‍કેલ હોય આ કેસમાં આરોપીને ઝડપી લેવા પોલીસે વેશ પલટો કરી ડુંગળીના વેપારી તરીકે ઓળખ પ્રસ્‍થાપિત કરી આરોપી જીતેન્‍દ્ર ઉર્ફે જીતેન સુધી પહોંચી હતી અને બાદમાં આરોપીને ઝડપી લઈ હાલ હળવદ ખાતે લાવવામાં આવ્‍યો છે. આ કેસમાં હળવદ પોલીસે આરોપી જીતેન્‍દ્ર ઉર્ફે જીતેન વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૭૬(એ)(બી),૫૦૬(ર) તથા પોકસો કલમ ૩(એ). ૪.૫(એમ), ૬ મુજબ ગુન્‍હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:53 am IST)