Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ખેડૂતોના ખેતરોના નુકસાની પરવા કર્યા વગર સુત્રાપાડા ફાટક ઓવરબ્રિજ રદ કરી નેશનલ હાઇવેનું કામ શરૂ થતા ખેડૂતો ચિંતીત

વેરાવળ તાલુકાના સોનારીયા બાદલપરા આજોઠા સહિત ની હજારો વિધા જમીન ડુબમાં જવાની પૂરી સંભાવના ખેડુતો દ્વારા ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ,તા. ૧: સુત્રાપાડા ફાટકે પ્‍લાન એસ્‍ટીમેટ મુજબ ઓવર બ્રિજનું કામ કરવાનું હતુ જે રદ કરી રસ્‍તો ઉંચો કરી કામ ચાલુ કરેલ છે.ઓવર બ્રિજનું કામ પહેલા શરૂ પણ કરેલ હતું જે બંધુ કરી પ્‍લાન ફેરવી નાખ્‍યો. આ કોઈના વ્‍યક્‍તિગત લાભ ખાતર થયેલું છે. હાલમાં જે મુજબ રસ્‍તો બને છે તેમાં પાણીના નિકાલની પૂરતી વ્‍યવસ્‍થા નથી આથી ખેડૂતોના ખેતરોમાં ૨,૩ માસ સુધી પાણી ભરેલા રહેશે. સુત્રાપાડા ફાટકની ઉત્તર સાઈડ ફાટકથી આજોઠા અને સોનારીયા તથા બાદલપરાની સીમની નાના ખેડૂતોની સીમની જમીનો આવેલ છે. જેની કોઈ પણ જાતની પરવા કર્યા વગર કોઈના ઈશારે ઓવરબ્રિજ રદ કરેલ છે.ᅠ

ફાટકની આસપાસ જયાં પાણીના નિકાલ માટે નાળા પણ પૂરતા મુકેલ નથી અને જયાં છે તેની આસપાસ દુકાનો બની જતા પાણી ત્‍યાં સુધી આવીજ શકતું નથી જે બાબત પણ હાઇવે ઓથોરિટીએ ધ્‍યાને લીધેલ નથી. સુત્રાપાડા ફાટકે જે પાણી આવે છે તે બોલાસ ગામથી પસાર થતી કપિલા નદી ઓવર થતા પુષ્‍કળ પાણી આવે છે જો આ બોળાગામની બાજુમાંથી નદી ઊંડી કરી નાખવામાં આવે તો પણ પાણીનો માર ઘણો ઓછો થાય તેમ છે પરંતુ ત્‍યાં પણ નેશનલ હાઇવે ઓથોરીટીએ કામ શરૂ કરી સરળતાથી નીકળે એટલું મટીરીયલ લઈને કામ બંધ કરેલ છે.ᅠ

અસરગ્રસ્‍ત ખેડૂતોએ નાયબ કલેક્‍ટર અને નેશનલ હાઇવે ઓથોરિટીને પણ આ બાબતે રજુઆત કરેલ છે પણ કોઈ જાયની કોઇની જવાબદારી ન હોય તેવી રીતે આડેધડ હાઇવેનું કામ થઈ રહ્યું છે છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. ખેડૂતોની રાજુઆતોને ઘોલોને પી જવામાં જ બધા નેતાઓ અને અધિકારીઓને આનંદ આવે છે તેવું લાગી રહ્યું છે.

(9:54 am IST)