Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

પાટડી રણમાં ૫૧

સુરેન્‍દ્રનગર ૪૪.૭, ગાંધીનગરમાં ૪૪ ડિગ્રી તાપ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-ક્‍ચ્‍છમાં ફરી મહતમ તાપમાનનો પારો ઉંચે જતા અસહય ઉકળાટ : ઝાલાવાડમાં અગરીયાઓ આકરા તાપથી ત્રાહીમામ

વઢવાણઃ તસ્‍વીરમાં પાટડીના રણમાં ૫૧ ડિગ્રી તાપમાન થતા અગરીયાઓ મુશ્‍કેલીમાં મુકાયા હતા. (તસ્‍વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

રાજકોઠ,તા. ૧૧ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. સુરેન્‍દ્રનગર જીલ્લાના પાટડીયા રણમાં ધોમધખતા તાપ સાથે ૫૧ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે. જ્‍યારે સુરેન્‍દ્રનગરમાં ૪૪.૭ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ ગુજરાત હાલ ધગધગતી ગરમીમાં તપી રહ્યુ છે. સૂર્ય આગ ઓકી રહ્યો છે અને જમીનમાંથી ગરમી ઉઠી રહી છે. હાલ ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે. ગુજરાતનુ કોઈ શહેર આ આકરા તાપથી બાકાત નથી. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં તાપમાન ૪૪ થી ૪૫ ડિગ્રી પહોંચી ગયુ છે. પરંતુ ગુજરાતમાં એક સ્‍થળ એવુ છે જયાં તાપમાન ૫૧ ડિગ્રી પર પહોંચી ગયુ છે. એમ કહો કે આ સ્‍થળ હાલ સળગતો લાવા બની ગયુ છે. સુરેન્‍દ્રનગરના રણનું તાપમાન ૫૧ ડિગ્રીએ પહોંચ્‍યું છે. સુરેન્‍દ્રનગરના પાટડીના રણનું તાપમાન ૫૧ ડિગ્રી તાપમાન પહોંચ્‍યું છે. ગુજરાત રાજયનું સૌથી હોટ સિટી હાલ સુરેન્‍દ્રનગર બન્‍યું છે. કારણ કે, રણ વિસ્‍તારમાં ૫૧ ડિગ્રી તાપમાન બતાવે છે. સુરેન્‍દ્રનગર જિલ્લામાં વધતા તાપમાન બાદ તંત્રએ સુરક્ષિત રહેવા લોકોને અપીલ કરી છે.

૫૧ ડિગ્રી તાપમાન રણમાં કામ કરતા અગરિયા માટે આકરુ બની રહે છે. તેથી તંત્ર દ્વારા અગરિયાઓને પણ સુરક્ષિત સ્‍થળે ગરમીથી બચવા તંત્રે અપીલ કરી છે. આ વિશે સુરેન્‍દ્રનગર હવામાન વિભાગના મુખ્‍ય અધિકારી જનક રાવલ કહે છે કે, હજુ ૩ દિવસ ગરમીનો પારો ઉંચો જવાની આગાહી છે. આવામાં હજારો અગરિયાઓ રણમાં ઉંચા તાપમાનમાં શેકાય છે. તેથી જ અમે તેમને સલામત સ્‍થળે જવા કહીએ છીએ, અને આવી ગરમીમાં કામ ન કરવા કહીએ છીએ.

૫૧ ડિગ્રી પારો જોતા તંત્રએ જિલ્લામાં યર્લો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, કચ્‍છ, સુરેન્‍દ્રનગર સહિત અનેક શહેરોમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગરઃ ભાવનગરમાં ગરમીનો પ્રકોપ યથાવત્‌ રહેવા પામ્‍યો છે. મંગળવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૧.૯ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૯.૨ ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૩ ટકા અને પવનની ઝડપ ૧૪ કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. આગ ઝરતી ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે. લઘુત્તમ તાપમાન પણ વધ્‍યું હોય દિવસે અને રાત્રે પણ ગરમીથી રાહત મળતી નથી. સખત ગરમીથી લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૮.૧ મહતમ, ૨૬.૩ લઘુતમ, ૮૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:44 am IST)