Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

મોરબી પાલિકાએ ડ્રેનેજના કામમાં બેદરકારી બદલ એજન્‍સી સાથેના કરાર રદ કર્યા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૧:મોરબી નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી ઝડપી અને અસરકારક થાય તે માટે મોટા પાયે ખાનગી એજન્‍સીઓને અલગ અલગ કામ માટે કોન્‍ટ્રાકટ આપવામાં આવ્‍યા હતા, જો કે આ એજન્‍સીઓ એક વાર કામ મળી જાય તે પછી કામગીરીમાં ભયંકર બેદરકારી દાખવતી હોય છે. ત્‍યારે મોરબી નગર પાલિકા દ્વારા આ મામલે કડક એકશન ન લેવામાં આવ્‍યા છે. મોરબીમાં ડ્રેનેજના કામમાં ગંભીર બેરદારકારી દાખવવા બદલ વઢવાણની હર્ષદિપ કન્‍સ્‍ટ્રકશન એજન્‍સીનો કોન્‍ટ્રાકટ રદ કરવામાં આવ્‍યો છે.

ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકા સાથે થયેલ તા.૨૧-૧૦-૨૦૨૧ના રોજ ભૂગર્ભ ગટર સફાઈ અને પમ્‍પીંગ સ્‍ટેશનની નિભાવણી અને સંચાલન બાબતે હર્ષદિપ કન્‍સ્‍ટ્રકશનના મોરબી નગરપાલિકા સાથે કરાર થયા હતા. જેમાં અક્ષમ્‍ય બેદરકારી દાખવવામાં આવી હતી. જેથી નગરપાલિકા દ્વારા આ મામલે એજન્‍સીને નોટીસ આપી ખુલાસો માંગવામાં આવ્‍યો હતો.

એ વખતે હર્ષદિપ કન્‍સ્‍ટ્રકશને એવો જવાબ આપ્‍યો હતો. તેઓ સાધનો, વાહનો અને સેફટી ગયર્સ વસાવવા અસમર્થ હતા અને આ કામ અંગેની ટેકનીકલ લાયકાત અને અનુભવ ધરાવતા ન હતા, જેથી કરારની શરતનો ભંગ થતા મોરબી નગર પાલિકા દ્વારા કરાર રદ કરવામાં આવ્‍યા હતા. અને ડીપોઝીટ પેટે આપેલ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી.

(12:20 pm IST)