Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

માળીયા મિંયાણાના વિશાલનગર ગ્રામ પંચાયતને અલગ દરજજાનો હુકમ આપતા બ્રિજેશ મેરજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૧ : માળીયા (મી) તાલુકાના સુલતાનપુર ગ્રામ પંચાયતમાંથી અલગ ગ્રામ પંચાયત કરવાની લાંબા સમયથી લોક માંગણી અન્‍વયે માળીયા (મી) તાલુકાના ભાજપા આગેવાન તેમજ સુલતાનપુર ગામના આગેવાનોએ મારા સમક્ષ રજુઆત કરવા મોરબી-માળીયા (મી) ના ધારાસભ્‍ય અને પંચાયત, શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર (સ્‍વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ તાત્‍કાલિક આ અંગે નિર્ણય લઇ, વિશાલનગર ગ્રામ પંચાયતને અલગ દરજજો આપતાં હુકમો કર્યા છે.

આજે માળીયા (મી) તાલુકાના આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ ગાંધીનગર ખાતે રાજય મંત્રી બ્રિજેશ મેરજાને મળવા આવેલ હતું, જેમાં માળીયા(મી) તાલુકાના સિંચાઇ, પીવાનું પાણી, સાગર ડેમ, રસ્‍તા, એસ.ટી. બસ રૂટોની સુવિધા, ૧૦ એકર અગરીયાના પ્રશ્નો અંગે રજુઆત કરતા મંત્રીશ્રી મેરજાએ તાબડતોડ જે તે વિભાગના અધિકારીઓને આ અંગે જરૂરી સુચનાઓ આપી, ત્‍વરિત કામોનો નિકાલ થાય તેમ કરાવ્‍યું હતું.

આ પ્રતિનિધિમંડળમાં મોરબી જિલ્લા ભાજપા મહામંત્રી બાબુભાઇ હુંબલ, માળીયા (મી. તાલુકા ભાજપા પ્રમુખ મણીલાલ સરડવા, માળીયા(મી) તાલુકા ભાજપા મહામંત્રી અરજણભાઇ હુંબઇ, મનીષભાઇ કાંજીયા, તાલુકા યુવા ભાજપા પ્રમુખ હિતેશભાઇ દસાડીયા, માળીયા (મી) તાલુકા ભાજપા આગેવાન આર. કે. પારેજીયા, તાલુકા ભાજપા કિસાન મોરચો  પ્રમુખ નિલેશભાઇ સંઘાણી, કિસાન મોરચોના અગ્રણી એવા  દેવાભાઇ ડાંગર, ધર્મેશભાઇ કાલરીયા, આશીષભાઇ દસાડીયા (એડવોકેટ) સહિતના લોકો ઉપસ્‍થિત રહ્યા હતાં.

(1:32 pm IST)