Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

દેવભૂમિ દ્વારકાના ઝારેરા ગામે દાસારામ બાપાના નવનિર્મિત મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઝારેરા ગામે સગર સમાજ ના સંત શિરોમણી  દાસારામ બાપાના નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધુમપુર્વક યોજાયો.

કાર્યક્રમમાં બિહારના નાયબ મુખ્યમંત્રી રેણુ દેવી, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, પોરબંદરના સાંસદ  રમેશ ધડુક,  ધારાસભ્ય  વિક્રમભાઈ માડમ, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા,  ચિરાગ કાલરીયા તેમજ  મુળુભાઇ બેરા, ચીમનભાઈ સાપરિયા અને અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમમાં ૧૫૧ કુંડી યજ્ઞ તથા પૂજ્ય દાસારામ બાપા ની ભવ્ય શોભાયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં સગર સમાજની ૩૮૩ કરતાં વધારે કાર અને અનેક બાઇક સવારો સામેલ થયા હતા. રસ્તા પર આવતા ગામડાઓ રાણપરડા, રુપામોરા, રોજીવાડા તથા ઈશ્વરયા ગામમાં શોભાયાત્રાનું ભવ્ય સન્માન કરાયું હતું.

કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ ૩ તારીખે રાત્રે સગર સમાજ ના યુવા કલાકારો દ્વારા રાસ ગરબાની રમઝટ નો કાર્યક્રમ યોજાયો હતો.

દિવસ દરમિયાનના કાર્યક્રમો માં  સગર સમાજ ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, તેજસ્વી યુવાનોના સન્માન તથા મંગલ રાઠોડ, મંજુલા ગોસ્વામી, જયેશ પ્રજાપતિ, ડૉ. હાર્દિક  નિકુંજ યાજ્ઞિક તથા સંજય રાવલ જેવા ખ્યાતનામ વકતાઓના વકતવ્યનું આયોજન કરાયું હતું.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા માટે બિહારના મુખ્યમંત્રી રેણુ દેવીએ ખાસ હાજરી આપી હતી તથા કાર્યકરો અને આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા.

ત્રણે દિવસ દરમ્યાન રાત્રી કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, ગીતા રબારી, બીરજુ બારોટ, ઉમેશ બારોટ, દેવરાજ ગઢવી તથા કિશોરદાન ગઢવી તથા સમાજના યુવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા

ત્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન રકતદાન કેમ્પ અને ગોકુલ હોસ્પિટલ રાજકોટ દ્વારા ઈમરજન્સી સેવાઓ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ તમામ દિવસો દરમિયાન લાખો ભકતો માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જેમાં આશરે બે લાખ કરતાં વધારે ભકતોએ પ્રસાદી લીધી હતી.

સગર સમાજ દ્વારા આ કાર્યક્રમ દરમ્યાન પૂજ્ય  દાસારામ બાપા ની દુનિયાની સૌથી મોટી કાઠીયાવાડી પાઘડી અને ૨૫૦૦ પાઘમાળાના વિતરણ ના બે વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમમાં દેશ-વિદેશ તથા ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાંથી પણ સગર સમાજ ના વ્યકિતઓ અને ઝારેરા અને આસપાસના તમામ ગામોના તમામ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા તથા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સહકાર આપ્યો હતો.

સફળ બનાવવા દાસારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો, દાતાઓ, દાસારામ સગર યુવક મંડળ ભાણવડના યુવાનો તથા સગર જ્ઞાતિ ના આસપાસના તમામ ગામોના યુવક મંડળના યુવાનોએ રાત દિવસ જોયા વિના સ્વયં સેવક તરીકે ખડે પગે સેવાઓ આપી હતી.

સમાજમિત્ર એન્ટરમેન્ટ લંડન,   શૈલેષભાઇ સગર,   લખનભાઇ કદાવલા, (હાલ.કુવૈત) નાઓએ ખુબ જ સારા પ્રયત્નો કરીને,  સંત  દાસારામ બાપા પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ – ૨૦૨૨ નિમિત્તે સમગ્ર વિશ્ચમાં સમસ્ત સગર સમાજે વર્લ્ડ રેકોર્ડ ઇવેન્ટનું આયોજન કર્યુ છે.  અને સંત  દાસારામ બાપાની કાઠીયાવાડી પાઘડીની સૌથી મોટી પ્રતિકૃતી બનાવી છે. જેની ઉંચાઇ ૩ ફુટ, ૭ ફુટ લંબાઇ  અને ૨૧ ફુટ પરીધ વ્યાસ છે. આ પાઘડી ૨૦૦ મીટર સુતરાઉ કાપડની બનેલી છે. જેનુ કુલ ૧૦૦ કીલોગ્રામ વજન છે. જે ૦૫ મે ૨૦૨૨ ના રોજ ગામ-ઝારેરા, તા.ભાણવડ, જિ.દેવભૂમિ-દ્વારકા, ગુજરાત, ભારત ખાતે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જેમના થકી જ આ એવડુ મોટુ કાર્ય ખુબ જ સારી રીતે બીજો સમાજ નોંધ લે એવી રીતે વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવેલ છે. આવી જ રીતે સગર સમાજનું નામ રોશન કરો તે માટે  શૈલેષભાઇ સગર તથા  લખનભાઇ કદાવાલ એ જહેમત ઉઠાવી હતી.

(1:35 pm IST)