Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

પોરબંદરના પક્ષી અભ્યારણથી વોકિંગ પ્લાઝા સુધીનો અતિ બિસ્માર રોડ

પોરબંદર તા. ૧૧ :.. પક્ષી અભયારણ્યથી વોકિંગ પ્લાઝા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં અને રોડ પર ગંદકી અને ઝાડી-ઝાંખરા હોવાનું કોંગ્રેસના આગેવાનોએ પાલિકામાં રજૂઆત કરી છે.

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ પાલિકાના તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, પોરબંદર પક્ષી અભ્યારણ્યથી છાંયા વોકિંગ વે સુધીનો રસ્તો અંત્યત બિસ્માર હાલતમાં છે. ત્યાં ઝાડી-ઝાંખરાનું સામ્રાજય વધ્યું છે. તેથી ઝેરી જીવ-જંતુનો ઉપદ્રવ વધતા સ્થાનીકો હેરાન-પરેશાન છે. આ રોડ પર જ બે કોલેજો આવેલી હોવાથી વિદ્યાર્થીઓને આ રોડ પરથી વાહન લઇને પસાર થવામાં મુશ્કેલીઓ પડે છે. વેકેશનની શરૃઆત થઇ હોવાથી પક્ષી અભ્યારણ્યમાં પણ પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે. પ્રવાસીઓને પણ ત્યાંથી પસાર થવામાં પરેશાની વેઠવી પડે છે. આ રોડ પર ખાંડા અને કાંકરાને લીધે વાહનો સ્લીપ થાય છે. બીજું બાજુ ચોમાસું નજીક આવી રહ્યું છે. આ રોડનું સમારકામ તાત્કાલીક ધોરણે નહી કરવામાં આવે તો અકસ્માતોનું પ્રમાણ વધશે.

પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા પક્ષી અભ્યારણ્યથી ગોઢાણીયા કોલેજ સુધીનો રસ્તો, હનુમાન મંદિર વાળો રસ્તો, મોઢા કોલેજનો રસ્તો, ભાજપ કાર્યાલય સુધી જવાનો રસ્તો અને પક્ષી અભ્યારણ્યથી  છાંયા વોકિંગ વે સુધી જવાના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ હનુમાન મંદિર વાળો રસ્તો, મોઢા કોલેજનો રોડ, ગોઢાણીયા કોલેજથી પક્ષી અભ્યારણ્યનો રસ્તો સિમેન્ટથી મઢી દેવામાં આવ્યો છે, પણ પક્ષી અભ્યારણ્યથી છાંયા વોકિંગ પ્લાઝા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જ છે. તેની કોઇ કામગીરી કરવામાં આવી નથી. તેથી વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, સ્થાનીકો મુશ્કેલી વેઠી રહ્યા છે. તેથી પાલિકાનું તંત્ર તાત્કાલીક ધોરણે આ રોડની કામગીરી શરૃ કરાવે તેવી માગણી રામદેવભાઇ મોઢવાડીયાએ કરી છે.

(1:49 pm IST)