Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

રાજકારણમાં ધ્રુજારો :મોરબી સિરામીક એસોસિયેશનના પૂર્વ પ્રમુખ સહિત મોરબીના અગ્રણીઓ આપમાં જોડાયા

પૂર્વ પ્રમુખ સહિત 700 લોકોએ આમ આદમી પાર્ટીના ટોપી – ખેસ પહેરી લેતા આગામી ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતા મોરબી જિલ્લાના પરિણામો પ્રભાવિત થવાના એંધાણ

રાજકોટ આવેલા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પૂર્વે સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં ધ્રુજારો લાવી દીધો છે. મોરબી સિરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ સહિત 700 લોકોએ આમ આદમી પાર્ટીના ટોપી – ખેસ પહેરી લેતા આગામી ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતા મોરબી જિલ્લાના પરિણામો પ્રભાવિત થાય તેવા અણસારો મળી રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાઉન્ટ ડાઉન સાથે જ શાસક પક્ષ ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને ગુજરાતની ગાદી છીનવી લેવા થનગની રહેલ આમ આદમી પાર્ટીએ પુરી તાકાતથી ચૂંટણી લડવા શસ્ત્રો સજાવી અત્યારથી જ મતદારોને અંકે કરવા કસરત શરૂ કરી છે.

આજ રોજ રાજકોટની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની હાજરીમાં રાજકોટ ખાતે યોજાયેલ જાહેર સભા પૂર્વે જ સૌરાષ્ટ્રના રાજકારણમાં વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ વચ્ચે મોરબી સિરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ ગિરીશ પેથાપરા સહિત 700 લોકોએ આપ સાથે જોડાણ કર્યું હતું. સાથે જ મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા 30 થી 40 ઉદ્યોગકારો પણ આપ સાથે જોડાયા હોવાનું ગીરીશભાઈ પેથાપરાએ જણાવ્યું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી સિરામીક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક લોકોમાં ભારો ભાર અસંતોષ જોવા મળે છે પરંતુ પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર કરવું પાલવે તેમ ન હોય મોટાગજાના લોકો પણ ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યા છે ત્યારે આજના દિવસે ગીરીશભાઈ પેથાપરા ઉપરાંત પાસ અગ્રણી નિલેશભાઈ એરવાડિયા, રેખાબેન એરવાડિયા, પ્રફુલાબેન સોની, દિનેશભાઈ કુંડારિયા અને ભાણજીભાઈ ફુલતરીયા સહિતના અનેક લોકો આજે રાજકોટ આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપ સાથે હાથ મિલાવી લીધો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

(7:48 pm IST)