Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ડો.સાહેબ ઓપરેશન કરાવવું જરૂરી છે પરંતુ અત્યારે અમારી પાસે આટલા નાણાંની કોઇ સગવડતા નથી

એપેન્ડીક્ષ, સારણગાંઠ, ટાંકાવાળું ઓપરેશન તથા ગર્ભાશયની કોથળી જેવી બીમારીઓનો માંઅમૃતાલય કાર્ડમાં સમાવેશ કરવા માંગણી

(દિનુ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૧ : તદ્દન ગરીબ કચડાયેલો અને નિઃસહાય બીમાર દર્દીઓને વિનામુલ્યે સરકાર તરફથી અપાતી સારવારમાંં એપેન્ડીક્ષ, ગર્ભાશયની બીમારી સહીત વિવિધ બીમારીઓનો પણ નિયમોમાં જરૂરી ફેરફાર કરી આ યોજનામાં સમાવેશ કરવા અને જરૂરીયાત વાળા દર્દીઓને સંપૂર્ણ સારવાર મળે તેમ કરવા માટેની માંગણી ઉઠી છે.

શહેરના અગ્રણી સર્જન ડો.એચ.એમ.હિંગોરાએ ઉપરોકત માંગણી કરતા જણાવ્યું છે કે  કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં ગરીબ માણસોની આર્થિક કમ્મર તુટી ગયેલી છે. અત્યારે જે દર્દીઓ અમારી પાસે આવે છે. તે દર્દીઓ પોતાને બીમારીઓનું નિદાન કરાવે છે અને ઓપરેશન લાયક દર્દીઓને ઓપરેશનની સલાહ આપીએ છીએ. ત્યારે તેઓ સૌ પ્રથમ ખર્ચનું પુછે છે અને તેમાંથી આશરે ૬૦% દર્દીઓ એવું જણાવે છે કે સાહેબ ઓપરેશન કરાવવું જરૂરી છે. તે વાત બરાબર, પરંતુ અત્યારે આટલા રૂપિયાની સગવડતા અમારાથી થઇ શકે તેમ નથી. તેથી થોડા સમય રાહત થાય તેવી દવા લખી આપો. પછી અમો જરૂર આવશું.

ઉપરોકત હકિકત જણાવતા, ડો. હિંગોરાએ વિશેષમાં ઉમેરેલું કે માણાવદરનું એક પેશન્ટ આવેલું આ પેશન્ટને એપેન્ડીક્ષની બીમારી હતી. તેમની પાસે મા અમૃતાલયનું કાર્ડ હતું. પરંતુ કાર્ડમાં એવો નિયમ છે કે ઓપરેશન વાળો જરૂરી ભાગ સોનોગ્રાફીમાં આવે તો જ સરકારશ્રી તરફથી તેની રકમ જે તે હોસ્પીટલને મળે જે આ કેઇસમાં અશકય હતું.

આવું જ એક મહિલા પેશન્ટ શાપુરથી આવેલું. તેણીને ગર્ભાશયની કોથળીની બીમારી હતી. તેનું પણ ઓપરેશન જરૂરી હતું. તેની પાસે કાર્ડ હતું, પરંતુ નિયમ મુજબ તેનું ઓપરેશન આ કાર્ડમાં થઇ શકે તેમ ન હતું. જેથી ફરજીયાત પોતાના ખર્ચે જ આ ઓપરેશન કરાવવું પડે તેમ હતું. અને ઓપરેશનનો ઓછામાં ઓછો ચાર્જ તેણીને જણાવ્યો. તો પણ તેણીને પોષાય તેમ ન હતો. આથી તેણીએ એમ કહેલું કે સાહેબ કામ ચલાવ રાહત થાય તેવી દવા લખી આપો. રૂપિયાની સગવડ કરી પાછી આવીશ.

ડો. હિંગોરાએ ઉપરોકત હકીકત જણાવતા કહ્યું હતું કે આવા સંખ્યા બંધ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે. તાલુકા મથકે સરકારી હોસ્પીટલમાં આવા ઓપરેશનની સગવડતાનો અભાવ જીલ્લા મથકે પહોચવાની અને જે તે સરકારી હોસ્પીટલમાં ઓપરેશન કરાવવાની જાણકારી અને અનુભવના અભાવે આવા દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના ડોકટરોની સલાહ મુજબ તાલુકા મથકે આવે છે. પરંતુ ત્યાં ઉપરોકત મુશ્કેલીના કારણે સારવાર લઇ શકતા નથી.

આવા દર્દીઓની ઉપરોકત યાતનાઓના નિવારણ માટે તેમણે અંતમાં માંગણી કરતા કહ્યું હતું કે સારણ ગાંઠનું ટાંકાવાળું ઓપરેશન, એપેન્ડીક્ષ, ગર્ભાશયની બીમારી જેવી અલગ અલગ બીમારીઓ માટે નવેસરથી જ સર્વે કરાવી તેની સારવારનો તબીબી સહાય આપતા વિવિધ સરકારી યોજનાઓમાં સમાવેશ કરી ગરીબ માણસોને ખરા અર્થમાં તબીબી સારવાર આપવી એ આજના સમયની અત્યંત જરૂરી માંગ છે, દર્દીઓની આ સ્થિતિ માટે અત્યારે સૌએ સાથે મળી વિચારવું અત્યંત જરૂરી છે એક ડોકટર તરીકે આવી વિચારણા કરવી તે આપણો પાયાનો ધર્મ છે.

(11:43 am IST)