Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

સ્કુલ ફી ભરવા વાલીઓને હેરાન ન કરવા રજૂઆત

જૂનાગઢના મિલન કેલૈયાએ કલેકટરને પત્ર પાઠવીને કોરોના કાળમાં સહયોગ આપવા માંગણી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૧ : જૂનાગઢ કેલૈયા મિલન પ્રફુલભાઇએ કલેકટરને રજૂઆત કરીને જણાવ્યુ છે કે શાળા વાલીઓને ફી ભરવા બાબતે હેરાન કે ટોર્ચર ન કરે તેમજ બાળકના ભવિષ્યની ચિંતા કરે સાથે સાથે બાળકોનું એલસી, રીપોર્ટકાર્ડ અને એડમીશન રોકવુ જોઇએ નહી તેમજ ફી ભરેલ હોય તેવા બાળકને ફી ન ભરેલ હોય તેવા બાળક વચ્ચે કોઇપણ પ્રકારનો ભેદભાવ રાખવો નહી. આ રજૂઆતને નોંધ લેવી અને કાર્યવાહી કરવા માંગણી કરી છે.

રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે, કોરોના વાયરસની આ વર્ષે વધારે અસર જોવા મળી છે જેથી કોઇ ઘર સંક્રમણથી બાકાત રહ્યુ નહી હોય જેથી ઘરે ઘરે કેસ આ વર્ષે જોવા મળી રહ્યા હતા. કોરોનાની સારવારમાં લોકોને મોટી રકમનો ખર્ચ આવ્યો હોય છે. બીજી બાજુ કોરોના આવ્યો ત્યારથી છેલ્લા એકાદ વર્ષથી ધંધા રોજગાર પણ પડી ભાંગ્યા છે. જેથી લોકોને મોટો ફટકો પડયો છે. ધંધા રોજગારમાં ફટકો પડવાથી આવકમાં પણ ઘટાડો થતો હોય છે. આમ એક સાઇડ કોરોનાની સારવારના ખર્ચ અને બીજી બાજુ ધંધા રોજગાર ઓછા થવાની આવક ઘટી જવાથી લોકોને માનસિક અસર પણ પડતી હોય છે.

સ્કુલ તરફથી વાલીઓને ફી બાબતે આવા કોરોનાના સંકટ સમયમાં સમયમર્યાદામાં ફી ભરી જવાનુ કહેવામાં આવે છે. તેમજ ફી નહી ભરો તો આગળના વર્ષમાં ઓનલાઇન કલાસ બંધ કરવામાં આવશે. માસ પ્રમોશન રોકવામાં આવશે. એલસી આપવામાં નહી આવે, આવી અનેક રીતે વાલીઓને મેસેજ, ફોન તેમજ રૂબરૂ જતા વાલીઓને ટોર્ચર કરવામાં આવે છે.

ગત વર્ષની ફી બાકી હોય એ વાલીઓને એમના બાળકનુ પરિણામ કે અન્ય રીતે બ્લેકમેલ કરાય છે. જે ન કરવુ જોઇએ અને એમને ફી ભરવા સમય આપવામાં આવે અને આવી બ્લેકમેલ કરતી સ્કુલ શાળાઓ સામે કડક કાર્યવાહી કરી બાળકોનો અભ્યાસ એકપણ દિવસ ન બગડે એ દિશામાં કાર્યવાહી કરવી જોઇએ તેમજ જે વાલીઓ એમના બાળકને સ્કુલ શાળા છોડવા માટે એલસી લેવા જાય ત્યારે પણ પુરી ફી ભરશો તો જ એલસી મળશે એ રીતે વાલીઓને ફી બાબતે ટોર્ચર કરવામાં આવે છે. જેથી જે વાલીઓને એમના બાળકની સ્કુલ શાળા છોડવી છે એમની પાસે જેટલી ફી ની સગવડ હોય એટલી ફી ભરી વાલીઓને એમના બાળકનું એલસી આપે એવી વાલીઓની માંગણી છે.

આ અંગે વાલીએ હેરાન ન થાય અને તેમના બાળકોનો અભ્યાસ ન બગડે તે દિશામાં આદેશ કરવા માંગ કરી છે.

(12:59 pm IST)