Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ભાવનગરમાંથી ડુપ્લીકેટ નોટોનું કૌભાડ ઝડપાયું:બનાવટી નોટો સાથે બે મહિલાની ધરપકડ કરાઈ

તરસમીયા રોડ પર રૂ.7,58,000ની નકલી નોટોનો સોદો કરવા આ બે મહિલાઓ પહોંચી : એસ.ઓ.જી અને એલસીબીની ટીમેં બંને મહિલાની ધરપકડ કરી

ભાવનગર શહેરમાંથી ડુપ્લીકેટ નોટોનું કૌભાડ ઝડપાયું છે. બનાવટી નોટો સાથે બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે કલર પ્રિન્ટરમાંથી પોતાના અંગત સ્વાર્થ માટે નોટોની પ્રિન્ટ કાઢી શહેરના તરસમીયા રોડ પર રૂ.7,58,000ની નકલી નોટોનો સોદો કરવા આ બે મહિલાઓ પહોંચી હતી. એ દરમિયાન એસ.ઓ.જી અને એલસીબીની ટીમ ત્રાટકી બંને કુખ્યાત મહિલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે આ ડુપ્લીકેટ નોટના કૌભાંડમાં તપાસ દરમિયાન અન્ય લોકોના નામ ખૂલે તેવી પુરી સંભાવનાઓ છે. 

ભાવનગર શહેરના ભરતનગર પોલીસ ચોકી હેઠળ આવેલા તરસમીયા રોડ પર બે દિવસ પહેલા બોટાદથી આવેલ મનીષા રેલીયા દ્વારા બે હજારના દરની ડુપ્લીકેટ નોટોનો વહીવટ કરીને તમામ નોટો વટાવે તે પહેલાં જ ભાવનગર પોલીસે ધરપકડ કરી લીધી છે.

બનાવની વિગતો મુજબ બે હજારના દરની પ્રિન્ટિંગમાં પ્રિન્ટ કાઢી બનાવટી નોટો તરીકે ઉપયોગ કરવાનો કારસો રચવામાં આવ્યો હતો જેમાં બોટાદની મહિલા દ્વારા ભાવનગર શહેરમાં રહેતી રેખાબેનના સંપર્કમાં આવી હતી અને રૂ.7,58000 રૂપિયાની બનાવટી નોટોનો પ્લાન રચી ડુપ્લીકેટ નોટો બદલાવી તેના બદલામાં અઢી લાખ રૂપિયા લેવાનો પ્લાન ઘડાયો હતો, પરંતુ સમગ્ર મામલે પોલીસની ગુપ્ત માહિતી આધારે બંને મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(11:27 pm IST)