Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ભીમ અગિયારસે શુકનવંતો વરસાદ થતા સારા ચોમાસાની આશા

ગઇ કાલે ગોંડલ, વાસાવડ, જસદણ, રાજકોટ, અમદાવાદ હાઇ-વે સહિતના વિસ્‍તારોમાં વરસાદ વરસ્‍યો : જો કે સવારથી અસહ્ય ઉકળાટ

તસ્‍વીરમાં ગોંડલ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદ વરસતા પાણી-પાણી થઇ ગયુ હતું. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ,તા. ૧૧ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અનેક વિસ્‍તારોમાં કાલે સાંજના સમયે ભીમ અગિયારસનું મુહૂર્ત મેઘરાજાએ સાચવ્‍યુ હતુ જેથી સારા અને સમયસર ચોમાસાની આશા સૌને છે. જો કે આજે સવારથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.

ગોંડલ તાલુકા ના વાસાવાડ તેમજ રાવણા,પાટખીલોરી, તેમજ જસદણ તાલુકાના મઢડા,લોનકોટડા માં સિઝનનો પહેલો વરસાદ પડતાં ખેડૂતોમા આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને આખો દિવસ અસહ્ય ઉકળાટમાં થી રાહત મળી છે વરસાદની મજા માણવા માટે તમે પણ આવો સૌ કોઈ વરસાદ માં નાહવા નીકળી ગયા હતા.રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર પણ ધીમીધારે વરસાદ વરસ્‍યો હતો.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ભીમ અગીયાર ના સામાન્‍ય રીતે વાવણી લાયક વરસાદ પડતો હોય છે.ત્‍યારે ગોંડલ પંથકમા વાસાવડ, જુંડાળા, રાવણામા સાંજે છના સુમારે ધોધમાર એક ઇંચ વરસાદ વરસ્‍યો હતો.અલબત્ત વાવણી લાયક વરસાદ ગણી ના સકાય તેવુ ખેડૂતો એ જણાવ્‍યુ હતુ.વાસાવડ, જુંડાળા રાવણાને બાદ કરતા પંથક કોરો ધાકડ રહયો હતો.

વાંકાનેર

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેરઃ કાલે સાંજના સમયે વાંકાનેરમાં ભીમ અગિયારસનું મુહૂર્ત મેઘરાજાએ સાચવ્‍યુ હતુ કાલે સાંજે પાંચ વાગ્‍યે હળવો વરસાદ વરસ્‍યો હતો. હળવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૬.૩ મહતમ, ૨૮.૩ લઘુતમ, ૭૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮.૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:12 am IST)