Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

પોરબંદરની ગોઢાણીયા કોલેજમાં હોસ્‍પિટલ મેનેજમેન્‍ટ ડીપ્‍લોમાં અને બી.કોમ ગુજરાતી મીડીયમને મંજુરી

પોરબંદર, તા.૧૧: ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ગોઢાણીયા મહિલા કોલેજમાં સવારે બી.કોમ (ગુજરાતી માધ્‍યમ) બી.કોમ (ઈગ્‍લીશ મિડિયમ) અભ્‍યાસક્રમો ચાલી રહ્યા છે. વિદ્યાર્થીઓને માંગણી સંદર્ભે હવે બપોરે વર્ષ ૨૦૨૨-૨૩ આ સત્રથી જ દીકરા-દીકરીઓ બંને અભ્‍યાસ કરી શકે તે માટે યુનિવર્સિટી દ્વારા બી.કોમ (ગુજરાતી માધ્‍યમ) તથા હોસ્‍પિટલ મેનેજમેન્‍ટ ડીપ્‍લોમાં અભ્‍યાસક્રમને મંજૂરી મળી છે. તેમ ગોઢાણીયા સંકુલ ખાતે મળેલી કોમર્સ ડીપાર્ટમેન્‍ટની શિક્ષણ ગુણવતા સુધારણા બેઠકમાં ટ્રસ્‍ટના પ્રમુખ,  દાતા અને શિક્ષણ પ્રેમી ડો.વિરમભાઇ ગોઢાણીયાએ ઘોષણા કરી હતી.

માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટ સંચાલિત ડો.વી.આર.ગોઢાણીયા કોમર્સ ડીપાર્ટમેન્‍ટની શિક્ષણ ગુણવતા સુધારણા બેઠક ટ્રસ્‍ટના પ્રમુખ ડો.વિરમભાઇ ગોઢાણીયાના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી જેમાં શિક્ષણની ગુણવતા સુધારણા માટે નવી શિક્ષણનીતિ ૨૦૨૦થી સમગ્ર દેશમાં શિક્ષણ ક્ષેત્રે સર્વાગી અમૂલ પરિવર્તન આવશે. મલ્‍ટી ડીસીપ્‍લીનરી એન્‍ડ હોલીસ્‍ટીક એજયુકેશન નવી શિક્ષણ નીતિનો પાયો છે અને સંસ્‍થાઓમાં નવા નવા અભ્‍યાસક્રમો શરૂ કરવાના આ શિક્ષણ નીતિમાં ઉલ્લેખ થયો છે રોજગારીલક્ષી અભ્‍યાસક્રમો શરૂ કરીને બેરોજગારોને આત્‍મનિર્ભર કરવામાં આ નવા અભ્‍યાસક્રમો ઉપયોગી પુરવાર થશે તેમ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ટ્રસ્‍ટના પ્રમુખ વિરમભાઇ ગોઢાણીયાએ વધુમાં જણાવ્‍યુ હતુ કે પોરબંદર પંથકના દીકરા-દીકરીઓને ગુણવતાસભર શિક્ષણ ઘટ આંગણે મળી રહે તેના ભાગરૂપે આ હોસ્‍પિટલ મેનેજમેન્‍ટ તથા બી.કોમ ગુજરાતી માધ્‍ય કો-એજયુકેશન અભ્‍યાસક્રમો ચાલુ કરવામાં આવ્‍યા છે.

(12:22 pm IST)