Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ગોંડલમાં ગાર્ડનમાં ઝુલેઝુલતા કિશોરનું પડી જતા મોત : એકલોતા પુત્રના મોતથી અરેરાટી

સોમવારે હાઇસ્‍કુલ શરૂ થતી હોય તે પૂર્વે આનંદ માણવા ગયો પણ અકસ્‍માતે મોત મળ્‍યું

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૧ : ગોંડલ નગરપાલિકા સંચાલિત કોલેજ ચોકમા આવેલᅠ ભગવત ગાર્ડનમાં વેકેશનના અંતિમ દિવસોમાં ખાસા પ્રમાણમાં ભૂલકાઓ - કિશોરો હીચકા લપસ્‍યાની મજા માણવા આવતા હોય આ દરમિયાન મોવિયા રોડ પર રહેતા શ્રમિક પરિવારનો ૧૫ વર્ષીય કિશોર અકસ્‍માતે ઝૂલે ઝૂલતા ઝૂલતા પડી જતા શ્રમિક પરિવારે અકાળે એકના એક પુત્રને ખોઈ બેસતા પરિવાર શોકમાં ગરક થઇ જવા પામ્‍યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મોવિયા રોડ પર પશુ દવાખાના નજીક હુસેની મસ્‍જિદની બાજુમાં રહેતા અને ડ્રાયવિંગ કામ કરતા ઈમ્‍તિયાઝભાઈ દોઢીયાનો એકનો એક પંદર વર્ષીય પુત્ર મહમદહુસેન મિત્ર સાથે કોલેજ ચોક પાસે આવેલ ભગવદગાર્ડનમાં ઝૂલે ઝૂલવા માટે પહોંચ્‍યો હતો આ દરમિયાન તે ઝુલામાંથી લપસી પડતાં તેને ગંભીર ઇજાઓ સાથે ખાનગી હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યો હતો જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા શ્રમિક પરિવારના પગ તળેની જમીન સરકી જવા પામી હતી.

બનાવ અંગે ઈમ્‍તિયાઝભાઈ દોઢીયાએ જણાવ્‍યું હતું અમારા પરિવારના એકના એક લાડકવાયા નું અકાળે નિધન થયું છે તેનું દુઃખ વર્ણવી શકાય તેમ નથી હજુ તો સવારના અમે બાપ-દીકરો સંગ્રામસિંહજી હાઈસ્‍કૂલમાં તેના એડમિશન માટે ગયા હતા અને તેને એડમીશન પણ મળી ગયુ હતું ફોર્મ ભરતી વેળાએ તેને મને કહ્યું કે ‘પપ્‍પા હું ફોર્મમાં અંગ્રેજીમાં સહિ કરી આપું છું' અને તેણે સહિ પણ કરી હતી સોમવારથી શાળા શરૂ થઈ રહી હોય રજાના એકાદ બે દિવસ બાકી હોય મિત્ર સાથે બગીચામાં ઝૂલવા માટે પહોંચ્‍યો હતો અને ઝુલામાંથી પડી જતા તેની સાથેના મિત્રોએ તેના પપ્‍પાને ફોન કર્યો હતો અને તેઓએ મને જાણ કરતાં હું હોસ્‍પિટલે પહોંચ્‍યો હતો અને થોડી વારમાં તો મારૂં તો સર્વસ્‍વ લૂંટાઇ જવા પામ્‍યું હતું

બગીચામાં બનેલી અકસ્‍માતની ઘટના અંગે નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી અને કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે ખૂબ જ દુર્ભાગ્‍યપૂર્ણ ઘટના બની છે. દુર્ઘટના બાદ હાલના તબક્કે થોડા સમય માટે હીચકાને ગાર્ડનમાંથી દૂર કરી આપવામાં આવ્‍યા છે આ તકે નગરજનોને એક સુચન પણ કરવામાં આવી રહી છે કે ભુલકાઓની સાથે ઘરની કોઈ એક વ્‍યક્‍તિ પણ સાથે આવે તો દુર્ઘટના ન બને અને સર્વેને માટે તે સુરક્ષિત રહેશે.

(12:25 pm IST)