Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

નૂપુર શર્મા સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, વિરોધ હિંસક નહીં શાંત હોવો જોઈએ: અસદુદ્દીન ઓવૈસી

કાશ્મીર પંડિતોનું છે, તેઓ રહેવા જોઈએ, સરકાર રક્ષણ કરે, પાકિસ્તાન આતંકવાદીઓને મદદ કરે છે, ગુજરાતમાં કોંગ્રેસીઓ પાર્ટી છોડી ભાજપમાં જઈ રહ્યા છે, આપ પાર્ટી મીની ભાજપ, AIMIM ગુજરાતમાં ચુંટણી લડવા સજજ

ભુજ : કચ્છ આવેલા AIMIM ના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભુજમાં પત્રકાર પરિષદ યોજી હતી. ઓવૈસીએ દેશમાં ચર્ચાતા મુદ્દાઓ સહિત રાજકીય મુદ્દે  મીડિયાના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.  ખાસ કરીને ચર્ચાનું કેન્દ્ર બનેલ નુપુર શર્માના નિવેદન મામલે ઔવેસીએ જણાવ્યું હતું કે, તેની માફી સ્વીકાર્ય નથી. નૂપુર શર્મા સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.  

નુપુર શર્માની હજુ સુધી ધરપકડ નથી કરાઇ. પ્રધાનમંત્રી વિદેશોમાં થયેલા વિરોધ પછી બોલ્યા છે. પણ, અમે દેશના નાગરિકો છીએ અમારા વિરોધ અંગે તેઓ મૌન રહ્યા છે. જોકે, નૂપુર શર્મા ના નિવેદન સામે દેશભરમાં થઈ રહેલ હિંસક વિરોધ અંગે તેમણે જણાવ્યું હતું કે, વિરોધમાં હિંસા ન હોવી જોઈએ. શાંત વિરોધ હોવો જોઈએ. તો, સરકાર અને પોલીસ પણ સંયમથી વર્તે. દેશમા હિંસાનો માહોલ ન બનવો જોઇએ. જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓની થઈ રહેલ હત્યા અંગે ઓવૈસીએ દુઃખ વ્યક્ત કર્યું હતું કે સરકાર અને પ્રશાસન દ્વારા પંડિતોના રક્ષણ માટે કડક પગલાં લેવાવા જોઈએ. કાશ્મીરી પંડિતો કાશ્મીરમાં જ રહેવા જોઇએ. પાકિસ્તાન આતંકવાદીઓને મદદ કરે છે. સરકારે આતંકવાદ સામે કડક પગલાં ભરવા જોઈએ. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમા લોકોને અનેક સમસ્યા વિધાનસભામા તેમની પાર્ટી મજબુત થઇ લડશે. ગુજરાતમા ભાજપ કોગ્રેસના ગઠબંધનથી પ્રજાને મુશ્કેલી છે. કોંગ્રેસીઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. આપ પાર્ટી મીની બીજેપી છે. AIMIM ગુજરાતમાં આ વખતે ચુંટણી લડવા સજજ છે. ગ્યાનવાપી મસ્જિદ મુદ્દે સંવિધાન મુજબ જ બધુ થાય તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ગુજરાત AIMIMના પ્રમુખ સાબિર કાબલીવાલા, રાષ્ટ્રીય પ્રવક્તા વસીમ પઠાણ, કચ્છના પ્રમુખ શકીલ સમા, ઈબ્રાહિમ હાલેપોત્રા ઉપસ્થિત રહ્યા હતા.

 

(7:00 pm IST)