Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

મોરબી: ક્યૂટોનમાં અંદાજે 200 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા, રાજકોટ સુધી કનેક્શન ખુલ્યું.

મોરબીના ક્યુટોન સિરામિકમાં IT દ્વારા સતત ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ દરોડામાં રાજકોટના મોટા માથાઓનું કેટલુંક સાહિત્ય ITને હાથ લાગ્યુ છે. ક્યૂટોનમાં અંદાજે 200 કરોડના બિનહિસાબી વ્યવહારમાં રાજકોટ ચમક્યું છે.  અને હજુ પણ તપાસ કરતા રાજકોટ, અમદાવાદ મોરબી સહિતના મોટામાથાઓના નામ ખુલવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, આ કંપનીના માલિક- સંચાલક અંડર ઈન્વોઈસિંગ એટલે કે વેચાણ કિંમત કરતા ઓછી રકમનું બિલ બનાવીને ટેક્સચોરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. જે દરોડાનો દૌર આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત છે. અને ક્યુટોન ગ્રૂપ સાથે સંકળાયેલ અન્ય સ્થળ પર ઇન્કમટેક્સ નું સર્ચ ઓપરેશન શરુ થયું છે.
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મોરબી લાલપર ગામ પાસે આવેલ ઈશાન સીરામીક ઝોનમાં આવેલ ડીવાઇન આર્ટ અને ઓર્ડિન સીરામીક એલ એલ પી નામની પેઢીમાં ઈન્કમટેક્સની ટીમ ત્રાટકી છે અને ડીવાઇન આર્ટ ના માલિકની મુંબઈથી અટકાયત કરી મોરબી લઈ આવવામાં આવ્યા છે. લાલપર નજીક આવેલ શિરોમણી બિઝનેસ સેન્ટર ખાતે આવેલ 25 નંબર ની ઓફિસમાં પણ દરોડા પડ્યા છે અને આ બન્ને પેઢી ક્યુટોન ગ્રૂપ સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે.
હાલ મોરબી સહિત રાજકોટ, અમદાવાદ, મુંબઈ સહિતના શહેરમાં તેમજ રાજ્ય બહાર પણ તપાસ લંબાઈ છે. જેમાં કંપનીના માલિક અને ઓફિસ અમદાવાદ આવેલી હોય ત્યાં તપાસ કરવામાં આવી હતી. ક્યુટોન સિરામિકના ડિસ્ટ્રિબ્યૂટર અને તેની સાથે નાણાકીય વ્યવહાર રીતે સંકળાયેલા બિલ્ડકોન ગેલેરી, પટેલ ગ્રેનાઈટ, ઓસ્કાર સેનિટરી વેર્સ, ડી.એસ. ફાઈનાન્સ, ડેસ્ટિની વિટ્રિફાઈડમાં તપાસ કરાઈ હતી.

(1:13 am IST)