Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

વિદાય સમયે વરસાદથી પાકને ભારે નુકશાન

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં દરરોજ સાંજના સમયે જામતો ચોમાસાનો માહોલ

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે દરરોજ સાંજના સમયે વરસાદ પડતા પાકને ભારે નુકશાન થઇ રહયું છે.

દરરોજ સાંજના સમયે મેઘાવી માહોલ જામે છે અને સાંજના સમયે અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી જાય છે જેના કારણે પાકને  ભારે નુકશાન થયું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. આજનું હવામાન ૩૪ મહત્તમ, રપ લઘુતમ ૮ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.૧ પ્રતિ કલાક પવનની ગતિ.

વઢવાણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :ચોટીલા પંથકમાં વરસાદ સાથે વીજળી પડતાં આણંદપુર પંથકના દેવપરા ગામે ૨ ખેડૂત પશુપાલકના ૪ પશુના મોત નિપજયાં હતા. અને કુદરતી અકસ્માતને કારણે ખેડૂત માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

એક તો ચોટીલા પંથકમાં પાછોતરા પુષ્કળ વરસાદને કારણે કપાસ, તલ જેવા પાકો નિષ્ફળ થયો છે. ખેતી સાથે સંકળાયેલા ખેડૂત વર્ગની સારા વર્ષની આશા ઉપર પાણી ફરી વળ્યુ છે. નવરાત્રીના શનિવારનાં મોડી સાંજે ચોટીલા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસેલ દેવપરા ગામે કડાકા ભડાકા વચ્ચે વરસાદ સાથે વીજળી આંખો આંજી નાખે તેવા લીસોટા સાથે હરેશભાઇ હદાણી અને રતાભાઈ હરજીભાઈ હદાણીની વાડીમાં પડી હતી. અને ખેતી સાથે પશુપાલન કરતા જગતાતની વાડામાં બાંધેલા ૩ ભેંસ અને ૧ પાડાનું વીજળી પડવાથી મોત થયું હતું.

સતત વરસેલા વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને ઉપરથી કુદરતી અકસ્માતે ૪ પશુના મોત નિપજતા ખેડૂત પરિવાર હતભ્રત બની ગયા છે. સ્થાનિક કક્ષાએથી અકસ્માતે પશુ મૃત્યુની જાણ તાલુકાના અધિકારીને કરતા પશુપાલકને પશુ મૃત્યુ અંગે મળવા પાત્ર સહાયની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(11:40 am IST)