Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

વિસાવદર - ભેંસાણ - બિલખા સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ૧ કરોડ ૪૬ લાખના ખર્ચે ઓકસીજન પ્લાન્ટનું લોકાર્પણ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૧ : 'કોરોના'ની સતત ત્રીજી લહેરની પ્રવર્તતી ચિંતા વચ્ચે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાએ વિસાવદર વિધાનસભા મતક્ષેત્ર-વિસ્તારોમાં આવેલા વિસાવદર-ભેસાણ-બિલખા સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં પોતાને ધારાસભ્યને મળતી ગ્રાન્ટમાંથી 'ઓકિસજન પ્લાન્ટ'નાં વિધિવત લોકાર્પણ કરી કાયર્િાન્વત કરાવતા લોકોમાં આ આરોગ્ય વિષયક અતિઆવશ્ય કાર્યની સાર્વત્રિક સરાહના કરાઈ રહી છે.

વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા તથા તેમના ધર્મપત્નિ નિશાબેન,પુત્રો-રાજન, વિવેક તથા પરિવારે કોરોના મહામારીનાં કપરાકાળમાં લોકોના દુઃખ દર્દમાં..લોકોની વચ્ચે રહી..એક પરિવારના સભ્ય તરીકેની હૂંફ આપી હતી..જે તે વખતે ઓકસીજનની અછતે સૌને ઓકસીજનની આવશ્યકતા કેટલી..? તેની આંખ ખોલી દીધી હતી..જેથી ધારાસભ્ય શ્રી રિબડીયાએ ગાંઠ વાળી હતી કે,પોતાના મતક્ષેત્રનાં મુખ્ય ત્રણેય સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ઓકસીજન પ્લાન્ટ કાયર્િાન્વત કરાવીને જ રહેશે અને તેમણે ધારાસભ્યને મળતી ગ્રાન્ટમાંથી એક ઓકસીજન પ્લાન્ટનાં રૂપિયા અડતાલીસ લાખ લેખે ત્રણ ઓકસીજન પ્લાન્ટનાં એક કરોડ છેતાલીસ લાખની માતબર ગ્રાન્ટ ત્રણેય સામુહિક આરોગ્ય કેન્દ્રોને ફાળવી હતી..જેની ફલશ્રુતિ સ્વરૂપે જ વિસાવદર-ભેસાણ-બિલખા સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઓકસીજન પ્લાન્ટ કાર્યરત થઈ ચૂકયો છે.

વિસાવદર,બિલખા,ભેસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઓકસીજન પ્લાન્ટનાં લોકાર્પણ ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાનાં હસ્તે આગેવાનો-કાર્યકરો-નાગરિકો-તબીબો-આરોગ્ય સ્ટાફની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયા હતા અને સાથોસાથ ઈશ્વરને પ્રાર્થના પણ કરાઈ હતી કે,સમુળગો કોરોના જ નષ્ટ થઈ જાય અને કોરોનાની ત્રીજી લહેર જ કયારેય ન આવે અને ઓકસીજન પ્લાન્ટની કોઈને પણ કયારેય જરૂર ન પડે..!!

વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂપિયા અડતાલીસ લાખનાં ખર્ચે ઓકસીજન પ્લાન્ટનુ લોકાર્પણ કરતા ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ જણાવ્યું હતું કે, 'કોરોનાનાં કપરાકાળમાં ઓકસીજનની અછતે આપણને સૌને હલબલાવી દીધા હતા..કેટલાયે લોકો ઓકસીજન માટે રઝળપાટ કરતા જોઈ હ્રદય દ્રવી ઉઠ્યું હતુ ત્યારે જ મે મનોમન નક્કી કરી લીધું હતું કે,મારા મતક્ષેત્રમાં ઓકસીજનનો પ્રશ્ન જ ન રહેવો જોઈએ..અને વિસાવદર-ભેસાણ-બિલખા ત્રણેય સામુહિક આરોગ્ય કેન્દ્રોને મને મળતી ધારાસભ્યની ગ્રાન્ટ મે ઓકસીજન પ્લાન્ટ માટે ફાળવી દીધી હતી..જેની ફલશ્રુતિ સ્વરૂપે આજે આપણે ઓકસીજન પ્લાન્ટનુ લોકાર્પણ કરી રહ્યા છીએ..પણ આ તકે ઈશ્વરને એ પણ પ્રાર્થના કરીએ કે,કયારેય પણ કોઈનુ કોઈપણ કારણસર ઓકસીજન ન ઘટે અને ઈશ્વર સૌને હંમેશા હેમખેમ રાખે.'

વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા ઓકસીજન પ્લાન્ટનાં લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયા,શહેર કોંગ્રેસ પ્રમુખ નયનભાઇ જોશી,જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ વાઘેલા, જિલ્લા ભાજપનાં પૂર્વ મંત્રી રમણીકભાઈ દુધાત્રા,યાર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ કમલેશભાઈ રિબડીયા,તાલુકા ભાજપનાં પૂર્વ પ્રમુખ વિરેન્દ્રભાઈ સાવલિયા,સરદાર પટેલ સંકુલના વીરૂ પટેલ તથા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતના અને નગરપાલિકાના સદસ્યો,નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રનાં અધિક્ષક ડો.ડોડીયા, ડો.ફુલેત્રા,ડો.ગરચર તથા સ્ટાફ લોકાર્પણ કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા.

(1:03 pm IST)