Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સાવરકુંડલાના વૈધકિય રાહત મંડળમાં બાવીસ વર્ષ બાદ મતદાનથી કાર્યવાહક કમિટી ચૂંટાઈઃ આજ સુધી બીનહરીફ વરણી થતી હતી

(દિપક ગાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૧ :. શહેર અને તાલુકાના લોકોને આરોગ્યની સુવિધા રાહત દરે મળી રહે તેવા આશયથી તાલુકાના ઘડવૈયા સ્વ. મુ.શ્રી લલ્લુભાઈ શેઠ દ્વારા સ્થાપવામાં આવેલ વૈધકિય રાહત મંડળમાં વ્યવસ્થાપક કમિટીના નવ સભ્યોની વરણી કરવા માટે તા. ૧૦-૧૦ રવિવારના રોજ સંસ્થા ખાતે ચૂંટણી યોજાયેલી. છેલ્લા બાવીસ વર્ષથી સંસ્થાનું હીત જોઈ સર્વાનુમતે જ કાર્યવાહી કમિટીની વરણી થતી હતી. જ્યારે આવતા ત્રણ વર્ષની મુદ્દત માટેની કમિટીમાં વર્તમાન નવ સભ્યો ઉપરાંત ચેતનભાઈ દલસુખભાઈ દોશીએ પણ દાવેદારી કરતા બાવીસ વર્ષ બાદ વૈધકિય રાહત મંડળમાં ચૂંટણી યોજાઈ હતી. જેનુ સાંજે જ પરિણામ જાહેર થતા નવી દાવેદારી કરનારા ચેતનભાઈ દોશીને માત્ર પાંચ (૫) મત મળતા તેમની હાર થઈ હતી અને વર્તમાન કમિટીના નવેનવ સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. હાલ વૈધકિય રાહત મંડળમાં ભૂપેશભાઈ મહેતા પ્રમુખ તરીકે સફળ સેવા આપી રહ્યા હોય તેમની પેનલ અકબંધ જળવાઈ રહી છે.

(1:06 pm IST)