Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

પોરબંદરમાં પૂ.ભાઇશ્રીના હસ્તે કોકીલાબેન ધીરુભાઇ અંબાણીને મહર્ષિ એવોર્ડ

કોકીલાબેન વિદેશમાં હોય તેમના વતી અનિલભાઇ અંબાણી અને ટીના અંબાણીના હસ્તે એવોર્ડ સ્વીકાર કર્યો : સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારંભમાં નીમાબેન આચાર્ય, મુંબઇમાં પૂર્વ શરીફ ડો.મોહનભાઇ પટેલ, રામભાઇ મોકરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

 

(પરેશ પારેખ -વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૧૧: પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે પૂ. ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ચાલી રહેલા ૪૦મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન દરમ્યાન  રજત જયંતિ વર્ષ તરીકે ૨૫મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહનું ગૌરવસભર આયોજન થયું હતું. જેમાં પૂજય ભાઇશ્રી, અતિથિ વિશેષ તરીકે ગુજરાતના પ્રથમ મહિલા વિધાનસભાના અધ્યક્ષા નિમાબેન આચાર્ય, નવરાત્રિ અનુષ્ઠાન દરમિયાન પ્રતિદિન અપરાહ્રન સત્રમાં શ્રીહનુમત્ કથાનું રસપાન કરાવનારા અને દેવર્ષિ એવોર્ડથી જેઓનું ભાવપૂજન કરવામાં આવ્યું એવા પૂજય સ્વામી ગોવિંદદેવગિરિજી મહારાજ, એવોર્ડ ચયન સમિતિના સભ્ય અને મુંબઈના પૂર્વ શેરીફ ડો. મોહનભાઇ પટેલ, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરિયા, કરુણાશંકરભાઈ ઓઝા આ મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમાજમાં પોતાના ક્ષેત્રમાં અપ્રતિમ યોગદાન કરનાર વ્યકિતઓનું વર્ષ-૨૦૨૦ના સાંદીપનિ ગૌરવ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્યું હતું.ઙ્ગ

જેમાં વર્ષ-૨૦૨૦ના રાજર્ષિવર્ય એવોર્ડથી પરમ ભગવદીયા શ્રીમતી કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી, મુંબઈ, મહર્ષિ એવોર્ડથી સાંસદ અને સમાજસેવી આદરણીય પ્રો.ડો. અચ્યુત સામંતજી- ભુવનેશ્વર, બ્રહ્મર્ષિ એવોર્ડથી સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલય, વારાણસીના પૂર્વકુલપતિ પરમ ભગવદીય ડો. રાજારામ શુકલજીનું અને દેવર્ષિ એવોર્ડથી શ્રીરામ મંદિર નિર્માણના કોષાધ્યક્ષ પૂજય સ્વામી ગોવિન્દદેવગિરિજી મહારાજનું પૂજય ભાઇશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લલાટે કુંકુમ તિલક કરીને ભાવપૂજન કરવામાં આવ્યું હતું.

૨૫મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ, રજત જયંતિ વર્ષ સમારોહના વિશેષ અને મહત્ત્વપૂર્ણ કાર્યક્રમની શરૂઆત પૂજય ભાઇશ્રી અને મહાનુભાવો દ્વારા મંગલ દીપ પ્રાગટ્ય અને ઋષિકુમારો દ્વારા વેદપાઠથી કરવામાં આવી હતી. વેદપાઠ બાદ મંચ પર બિરાજમાન મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ૨૫મા સાંદીપનિ ગૌરવ એવોર્ડથી મહાનુભાવોનું સન્માન થાય એ પહેલાઙ્ગ એક નાની એવી ઓડિયો/વિડીયો ડોકયુમેન્ટરી ફિલ્મ દ્વારા અગાઉના ૨૪ સાંદીપનિ ગૌરવ એવોર્ડ યાત્રાના ઉપસ્થિત સૌ લોકોને દર્શન કરાવ્યા હતા.ઙ્ગ

એવોર્ડ ચયન સમિતિના સભ્ય શ્રી ભાગ્યેશભાઇ જહા એ ૨૫મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહની ભૂમિકા અને પ્રસ્તાવના સંસ્કૃત અને અંગ્રેજીભાષામાં રજૂ કરી હતી તો મુંબઈના પૂર્વ શેરીફ રાજર્ષિ ડો. મોહનભાઇ પટેલએ ૨૫મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહના પ્રસંગ અનુરૂપ પ્રવચન આપીને એવોર્ડ પ્રાપ્ત કરનાર તમામ મહાનુભાવોનો પરિચય આપ્યો હતો.ઙ્ગ

સૌ પ્રથમ પરમ ભગવદીય શ્રીમતી કોકિલાબેન ધીરુભાઈ અંબાણીનું રાજર્ષિવર્ય એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમતી કોકિલાબેન અંબાણી વિદેશમાં હોવાથી તેઓ ઝુમના માધ્યમથી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. અને એમના પ્રતિનિધિ રૂપે મુંબઈથી અનિલભાઈ અંબાણી અને ટીનાબેન અંબાણી ખાસ ઉપસ્થિત રહીને પૂજય ભાઇશ્રી દ્વારા ભાવપૂજન સ્વીકાર્યું હતું. તેમજ શ્રી ટીનાબેન અંબાણીએ ભાવપૂજન બદલ કોકિલાબેન વતી આભાર વ્યકત કર્યો હતો. આ સાથે-સાથે શ્રી કોકિલાબેન અંબાણી દ્વારા પ્રતિભાવ સ્વરૂપે મોકલવામાં આવલે વિડીયો સંદેશ પણ રજૂ કરવામાં આવેલ હતો. શ્રી મુકેશભાઇ અંબાણી અને તેમનો સંપૂર્ણ પરિવાર પણ આ તકે ખાસ ઝૂમના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડનું વાંચન ઋષિકુલના અધ્યાપક ચેતનભાઈ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું.

ઓરીસ્સાના ભુવનેશ્વરથી સાંસદ અને સુપ્રસિદ્ઘ સમાજસેવી આદરણીય પ્રો. ડો. અચ્યુત સામંતજીનું પૂજય ભાઇશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહર્ષિ એવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવ્યું હતું. અગત્યના કારણોસર આદરણીય પ્રો.ડો. અચ્યુત સામંતજી રૂબરૂ ઉપસ્થિત રહી શકયા ના હોવાથી તેમના પ્રતિનિધિ સ્વરૂપે મુંબઈથી વરૂણજી સુથરા ઉપસ્થિત રહીને પૂજય ભાઇશ્રી દ્વારા મહર્ષિ એવોર્ડ ભાવપૂજન સ્વીકાર્યું હતું. આ સાથે એવોર્ડ ગ્રહણના પ્રતિભાવ સ્વરૂપે પ્રો.ડો. અચ્યુત સામંતજીનો વિડીયો સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પોતાએ બાલ્યકાળથી ખુબજ ગરીબ પરિસ્થિતમાં રહીને જીવનમાં પોતે કરેલી પ્રગતિ અને ઓરિસ્સામાં કરેલા સમાજ ઉપયોગી કાર્યોની વાત કરી હતી. જેમાં ખાસ કરીને આદિવાસી લોકો માટે શિક્ષણ સંસ્થાઓ વિશે વાત કરી હતી. મહર્ષિ એવોર્ડનું વાંચન સાંદીપનિ સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક શ્રી ગૌરીશંકરભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યુ.ઙ્ગ

સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલય, વારાણસીના પૂર્વકુલપતિ પરમ ભગવદીય પ્રો. ડો. રાજારામ શુકલજીનું પૂજય ભાઇશ્રી અને પૂજય સ્વામી શ્રી ગોવિંદદેવગિરિજી મહારાજ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા શ્રી નિમાબેન આચાર્ય દ્વારા બ્રહ્મર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મર્ષિ એવોર્ડનું વાંચન સાંદીપનિ સંસ્કૃત પાઠશાળાના આચાર્ય શ્રી બિપીનભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યુ. બ્રહ્મર્ષિ એવોર્ડથી સન્માનિત પ્રો. ડો. રાજારામ શુકલજીએ પોતાના પ્રતિભાવો વ્યકત કરતાં જણાવ્યુ કે એવોર્ડની સાથે પ્રાપ્ત થયેલા પ્રશસ્તિપત્રમાં મારા માટે જે જ્ઞાન અને ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. એનાથી વધુ જ્ઞાન અને ગુણો હું પ્રાપ્ત કરી શકું તો આજે થયેલા સન્માનનું સન્માન કહેવાશે. પોતાના પ્રતિભાવમાં ગુરૂમહિમાનું વિશેષ વર્ણન કરીને આ એવોર્ડ એ મારા માટે ગુરૂજનોના આશીર્વાદ સમાન છે એમ જણાવ્યુ હતું.ઙ્ગ

શ્રીરામ જન્મભૂમિ નિર્માણના કોષાધ્યક્ષ પૂજય સ્વામી ગોવિન્દદેવગિરિજી મહારાજને પૂજય ભાઇશ્રીએ લલાટમાં ચંદન કરીને, પૂજન કરીને દેવર્ષિ એવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કાર્યું હતું. દેવર્ષિ એવોર્ડનું વાંચન સાંદીપનિ સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક શ્રી સહદેવભાઈ જોશીએ કર્યુ હતુ. આ સાથે પૂજય સ્વામી ગોવિન્દદેવગિરિજી મહારાજે પણ પૂજય ભાઇશ્રીનું લલાટમાં તિલક કરીને ભાવપૂજન કર્યું હતું. પૂજય સ્વામીશ્રી ગોવિન્દદેવગિરિજી મહારાજે પોતાના પ્રતિભાવ જણાવતા ઇ.સ. ૧૮૧૮ પૂર્વે ભારતમાં પ્રાચીન ગુરુકુળોની શિક્ષા પદ્ઘતિનું મહત્ત્વ સમજાવીને અંગ્રેજ શાસનમાં મેકોલેનું એક વાકય યાદ કરીને કહ્યું કે જો ભારત દેશને સંપૂર્ણ જીતવો હશે તો ભારતની શિક્ષાનીતિ બદલવી પડશે. એમ કહીને મેકોલેએ જે અંગ્રેજ શાસનમાં નવી શિક્ષાનીતિ દાખલ કરીને ગુરુકુળ પરંપરાની શિક્ષણ પ્રથાનો જે અંત થયો હતો એના પર કટાક્ષ વ્યકત કરીને કહ્યું હતું કે જો ભારત દેશને ખરા અર્થમાં ભારત દેશ બનાવો હશે, તો ફરીથી ગુરુકુળ પદ્ઘતિની શિક્ષા દાખલ કરવી જોશે અને આવી આદર્શ ગુરુકુળ પદ્ઘતિના દર્શન મને સાંદીપનિ વિદ્યાનિકેતનમાં થાય છે. આવી સાંદીપનિ વિદ્યાનિકેતનસમાન ગુરુકુળ પદ્ઘતિથી શિક્ષા આપનારી,ઙ્ગ વેદોનું ઉપનિષદોનું રક્ષણ કરનારી સંસ્થાઓ દરેક પ્રદેશમાં સ્થપાવી જોઈએ.ઙ્ગ વિશેષમાં તેઓએ કહ્યું કે મને આજ સુધીમાં દ્યણી સંસ્થાઓ દ્વારા સન્માન મળ્યા છે. પરંતુ કાંચીકામકોટિ પીઠ અને સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજય ભાઇશ્રી દ્વારા જે સન્માન મળ્યું છે એ ને જ હું સાચું સન્માન માનું છુ. મારામાં જે પાત્રતા જોઈને એ પાત્રતા મે મારા ગુરૂજનો પાસેથી મેળવી છે આ સન્માન હું મારા સદગુરુના ચરણોમાં સમર્પિત કરું છુ.ઙ્ગ

૨૫મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે આજે ગુજરાતના પ્રથમ મહિલા વિધાનસભાના અધ્યક્ષા શ્રી નિમાબેન આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પૂજય ભાઇશ્રીએ શ્રી નિમાબેન આચાર્યનું પણ આ સમારોહમાં રામનામી શાલ અને મોમેન્ટો આપીને ભાવપૂજન કર્યું હતું. તેઓએ બધા જ એવોર્ડ પ્રાપ્ત વરિષ્ઠ મહાનુભાવોને અભિનંદન પાઠવ્યા હતા અને આ ગૌરવ સામા કાર્યક્રમમાં નિમંત્રણ મળ્યા બદલ પૂજય ભાઇશ્રી પ્રત્યે ધન્યવાદ વ્યકત કાર્યો હતો.

અંતમાં પૂજય ભાઇશ્રી એ આશીર્વચન પાઠવતા સૌ એવોર્ડી મહાનુભાવોનો એવોર્ડ તરીકે ભાવપૂજન સ્વીકારવા બદલ આભાર વ્યકત કર્યો હતો અને આશીર્વાદ આપ્યા હતા.ઙ્ગ ૨૫મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ માં પોરબંદરની વિવિધ સામાજિક સંસ્થાઓના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને તમામ એવોર્ડીઓનું સન્માન કર્યું હતું. આજના ગૌરવ એવોર્ડ સમારોહમાં મંચસ્થ મહાનુભાવો સિવાય પોરબંદરના ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર નગરપાલિકાના પ્રમુખશ્રી,ઙ્ગ રાજર્ષિ ડો. વિરમભાઈ ગોઢાણીયા, શહેરના પ્રબુદ્ઘજનો, સાંદીપનિ વિદ્યાનિકેતનના સર્વે ટ્રસ્ટીશ્રીઓ તથા નવરાત્રિ અનુષ્ઠાનમાં દેશ-વિદેશથી આવેલા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

(1:06 pm IST)