Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જામજોધપુરના સડોદરમાં પતિનો પત્ની અને બાળકને પેટ્રોલ છાંટી સળગાવી નાખવાનો પ્રયાસ

નવરાત્રિ જેવા તહેવાર દરમિયાન પોતાની પત્ની અને બાળકને જીવતા જલાવી દેવાનો પ્રયાસ કરનાર પતિ સામે ચોતરફથી ફિટકારની લાગણી

જામજોધપુર,તા.૧૧ : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામ માં નવરાત્રી જેવા પવિત્ર તહેવારો દરમિયાન પોતાની પત્ની અને પુત્રને જીવતા જલાવી દેવાનો કિસ્સો સામે આવતાં નરાધમ પતિ સામે ચોમેરથી ફીટકારની લાગણી વરસી રહી છે. પોલીસે આરોપી સામે હત્યા પ્રયાસ અંગેનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના સડોદર ગામેં રહેતી અને ખેત મજૂરી કામ કરતી મૂળ દાહોદની વતની ભાવનાબેન નરેશભાઈ મારવાડી નામની ૩૦ વર્ષની પરિણીત મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના આઠ માસના પુત્ર રણજિત ઉપર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી સળગાવી દેવાનો પ્રયાસ કરવા અંગે પોતાના જ પતી નરેશ કનુભાઈ મારવાડી સામે ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.

 ભાવનાબેન ગઈકાલે સાંજે પોતાના ઝૂંપડામાં હતી, અને આઠ માસનો પુત્ર રણજિત રડતો હોવાથી પતિ ઝૂંપડામાં આવ્યો હતો, અને ''તને સંતાન સાચવતા આવડતું નથી'' તેમ કહી તકરાર કરી હતી. ત્યાર પછી ભાવનાબેન અને પુત્ર પર પેટ્રોલ છાંટી ઝૂંપડામાં પણ પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, અને પોતે ત્યાંથી ભાગી ગયો હતો.

 આ બનાવમાં ભાવનાબેન અને પુત્ર રણજિત શરીરે દાઝી ગયા હોવાથી તેઓને તાત્કાલીક અસરથી જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં શેઠવડાળા પોલીસ સ્ટેશન ની ટુકડી ઘટનાસ્થળે તેમજ જામનગરની જી.જી હોસ્પિટલે દોડી ગઈ હતી, અને ભાવનાબેન નું નિવેદન નોંધ્યા પછી તેની ફરિયાદના આધારે પતિ નરેશ કનુભાઈ મારવાડી સામે હત્યાના -યાસ અંગે ની કલમ ૩૦૭ તેમજ ૫૦૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને ભાગી છૂટેલા નરાધમ પતિને પોલીસ શોધી રહી છે. નવરાત્રી ના તહેવાર દરમિયાન આ બનાવ બન્યો હોવાથી જામજોધપુર પંથકમાં ભારે અરેરાટી ફેલાઇ છે.

(3:01 pm IST)