Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

જસદણ પંથકમાં રવિવારે પણ ૧૦૩ કેસ પોઝીટીવ

જુના પીપળીયા ગામે સ્થિતી ભયજનક

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૧૨: જસદણ -વિંછીયા પંથકમાં ગઇ કાલે રવિવારે અમુક ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન હતુ ત્યારે પંથકના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો કોરોનાને લીધે ખુલ્લા રહ્યા હતા જેથી ગઇ કાલે પણ ટેસ્ટીંગ દરમિયાન એકલા જસદણ પંથકમાંથી ૧૦૩ કેસો પોઝીટીવ આવ્યા છે.

જસદણ પંથકમાં કોરોના મહામારીએ નાના-નાના ગામડાઓમાં પણ પગ-પેસારો કર્યો હોય દિવસે -દિવસે કેસો વધતા લાગ્યા છે. ગઇ કાલે રવિવાર હોવા છતાં લોકો ટેસ્ટ કરાવવા દોડી ગયા હતા અને જસદણ તાલુકામાંથી ૧૦૩ કેસો સામે આવ્યા હતા. ત્યારે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આખા જીલ્લાના કુલ ૭૦ કેસો બતાવ્યા છે. આમ સાચા આંકડા છુપાવવાનો સીલસીલો હજુ ચાલુ જ છે.

જસદણ તાલુકાના અનેક ગામડાઓમાં કોરોનાએ ડેરા-તંબુ તાણ્યા છે. આવા ગામડામાં શેરીએ શેરીએ કોરોનાના કેસો કે તાવ-શરદીના કેસો હોવા છતાં લોકો ડરના માર્યા યોગ્ય તપાસ કરાવવાને બદલે ખાનગી દવાખાનુ જઇ દવાઓ લઇ પોતે અને બીજાને સંક્રમિત કરે છે. ખાનગી ડોકટરોએ આવા દર્દીને કોરોના ટેસ્ટ કરાવી હોમ-કોરેન્ટાઇન ન કરવા કડક સુચના આપવી જોઇએ.

જસદણ તાલુકાના જુના-પીપળીયા ગામમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે. ત્યાં આ નાનકડા ગામમાં ૫ થી ૬ વ્યકિતના મૃત્યુ થયા છે. ઉપરાંત હજુ બે થી ત્રણ વ્યકતિની તબીયત ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે.

હાલ નાના ગામમાં ૨૫ થી ૩૦ જેટલા કેસ એકટીવ છે અને જો તંત્ર ત્યાં જઇ રેપીડ ટેસ્ટ કરાવવામાં આવે તો હજુ અનેક કેસ સામે આવે તેમ છે.

જસદણ પંથકના અનેક નાના-નાના ગામોમાં સ્થિતી દિવસે -દિવસે ખરાબ થતી જાય છે ત્યારે ગામ લોકોએ અને આગેવાનોએ સંક્રમિત લોકોના યોગ્ય રિપોર્ટ કરાવી તેઓ બહારના નિકળે તે માટે કડક અમલવારી કરાવવી પડશે.

જસદણ પંથકના અનેક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન થઇ રહ્યુ છે ત્યારે જસદણ શહેરમાં પણ આજથી બપોર પછી સંપૂર્ણ લોકડાઉન રાખવાનો નિર્ણય સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેવામાં આવ્યો છે.

(10:31 am IST)