Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા તાલુકાના બરવાળા ગામમાં ત્રિવેણી શ્રમદાનનું આયોજન

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૧૨ : પર્યારણ શિક્ષણ કેન્દ્ર જસદણ અને સી.એલ.પી. વિન્ડ ફાર્મ ઇન્ડિયા પ્રાઈવેટ લીમીટેડના સંયુકત ઉપક્રમે જસદણ અને ચોટીલા તાલુકાના ૦૯ ગામોમાં 'આરોહણ' પ્રોજેકટનો બીજો તબક્કો શરુ કરવામાં આવેલ છે પ્રોજેકટ અંતર્ગત ગામોમાં પાણી,આજીવિકા અને શિક્ષણ સંબધી કામો કરવામાં આવી રહ્યા છે.

આરોહણ પ્રોજેકટ અંતર્ગત ૨૪મી  માર્ચના રોજ બરવાળા ગામમાં ચાલતા બહેનોના મંડળો દ્વારા શ્રમદાનનું આયોજન કરવામાં આવેલ જેમાં (૧) ગામમાં આવેલ સ્મશાનની સફાઈ કરી,લાકડા ગોઠવ્યા, દરવાજો વ્યવસ્થિત કર્યો. બગીચામાંથી ઘાસ કાઢ્યું, કાંટા ઝાળા-ઝાંખરા કાપ્યા, રસ્તાની સફાઈ કરી. (૨) ગામમાં આવેલ રામજી મંદિરની આસપાસની શેરીઓની સફાઈ કરી અને સુકો કચરો, પાંદડા ભેગા કરી ખાતર બનાવવા માટે એક ખેડુતને આપ્યા જે ગાડી ભરી વાડીએ લઈ ગયા. સાથે એક મેસેજ આપ્યો આવો કચરો સળગાવવો નહી પણ કમ્પોસ્ટ ખાતર બનાવવું. (૩) ગામમાં આવેલ સમાજવાડી પડતર પડી રહી હતી જેનો કોઈ ઉપયોગ થતો નહી તેની સાફ-સફાઈ કરી બેસી શકાય એવી જગ્યા કરી.

ગ્રામ પંચાયત દ્વારા સમાજવાડીના તૂટેલા બારી બારણા નવા નખાવી આપશે અને લાઈટની સુવિધા કરાવી આપશે જેથી મહિલા મંડળના બહેનો કાયમી અહી મીટીગ કરી શકે તેમજ બીજા કાર્યક્રમો પણ થઈ શકે. તેમજ આવેલા બધા લોકોએ પ્રતિજ્ઞા લીધી કે અમે આજથી કચરો કચરાપેટીમાં જ નાખીશું. ગામમાં ઉકરડા નહી કરીએ. જરૂર પુરતું જ પાણી વાપરશું. જરૂર પુરતો જ પ્લાસ્ટીકનો ઉપયોગ કરીશું વગેરે...... એ સાથે કોરોના વેકસીન લેવી આપણા માટે જરૂરી છે તેની વાત સમજાવી. બરવાળા ગ્રામપંચાયત, ભાઈઓ - બહેનોના મંડળ, અને ગામલોકોનો ખુબ સારો સહયોગ મળ્યો હતો. બહેનો તથા ભાઈઓ સવારે ૯ વાગ્યાથી લઈ ૧ વાગ્યા સુધી આ કામગીરી કરી ગામ માટે નિઃસ્વાર્થ ભાવે સેવા પ્રદાન કરવામાં આવી હતી. જેમાં ભાઈઓ -બહેનો તથા બાળકોએ સાથે રહી ખુબ જ ઉત્શાહ ભેર કામગીરી કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના પ્રોગ્રામ ડાયરેકટર શ્રી સુમન રાઠોડે આપ્યું હતું.અને કાર્યક્રમને સફળ બનાવવા માટે રીટા વોરા, અરજણ સાકરિયા એ જહેમત ઉઠાવી હતી.

(10:33 am IST)