Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

વાંકાનેરમાં કોરોના અને માંદગીમાં વધી રહેલો મૃત્યુઆંક

કોવીડ હોસ્પીટલ દર્દીથી ફુલઃ નવા દર્દીઓને રાજકોટ-મોરબી સારવાર માટે દોડવુ પડે છેઃ સરકારી હોસ્પીટલમાં સ્ટાફ વધારવો અત્યંત જરૂરીઃ સ્ટાફની દશા દયનીયઃ બન્ને સ્મશાનોમાં લાકડાની પણ અછત

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૧૨ :. વાંકાનેરમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે અને શહેરની સરકારી કોવીડ હોસ્પીટલ દર્દીઓથી ફુલ થઈ ગઈ હોવાનુ અને નવા દર્દીઓને સારવાર માટે રાજકોટ કે મોરબી તરફ દોટ મુકવી પડતી હોવાનું સાંભળવા મળી રહ્યુ છે.

બીજી બાજુ સરકારી હોસ્પીટલમાં કોવીડ કામગીરી સાથે સંકળાયેલા ડોકટર અને સ્ટાફ પણ અડધા ભાગનો બીમારીમાં સપડાયો છે અને ટૂંકા સ્ટાફ વડે ડોકટરો ૭૦ થી ૭૨ કલાક સતત સેવા આપતા હોવાનું હોસ્પીટલના દ્વારેથી સાંભળવા મળે છે. ડોકટર અને સ્ટાફની દશા પણ દયનીય બની ગઈ છે.

હોસ્પીટલમાં સ્ટાફ વધારવાની તાતી જરૂરીયાત છે. બે ત્રણ દિવસથી જુદી જુદી બીમારીઓ સબબ દરરોજ ૬ થી ૮ લોકોના મૃત્યુ થતા હોય બન્ને સ્મશાન ગૃહ ઉપર અંતિમ વિધિ માટે મૃતદેહો આવતા હોવાથી આ બન્ને સ્મશાન ગૃહમાં અગ્નિદાહ માટેના લાકડા પણ ખુટી ગયા છે અને લાકડા માટે ભાટીયા સોસાયટીના યુવાનો દોડધામ કરી રહ્યા છે, ત્યારે દાતા પરિવારોએ આ માટે સહયોગી બને અથવા સરકારી તંત્ર બન્ને સ્મશાન ઉપર લાકડાની વ્યવસ્થા કરે તેવી પ્રજામાંથી માંગ ઉઠી છે.

શહેરમાં શરદી, તાવ, ઉધરસના દર્દીઓથી હોસ્પીટલો ઉભરાય રહી છે અને ઘણા લોકો કોરોનાની ગંભીર બીમારીમાં પણ સપડાયા છે. બીજી બાજુ શહેરમાં નગરપાલિકા દ્વારા પીવા માટેનુ જે પાણી વિતરણ થાય છે તે પણ ડોહળુ અને દુર્ગંધવાળુ આવતુ હોવાથી બુમરાડ પ્રજામાંથી સંભળાય રહી છે.

શહેરમાં પાલિકા દ્વારા ફોંગીંગ કામગીરી ચાલે છે તેને વધુ વેગવંતી બનાવવા શહેરભરમાં સેનેટાઈઝરીંગ કરવા ડીડીટીનો છંટકાવ વધુ કરવાની તાતી જરૂરત છે.

ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાની બીજી લહેરથી ઘણા બધા ઘરોમાં પોઝીટીવ કેસો વધ્યા છે. આરોગ્ય ખાતા દ્વારા ઘોડા છૂટયા પછી તબેલાને તાળા મારવા જેવા ઘાટ જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં કેસો વધતા ધન્વંતરી રથો દોડતા જોવા મળી રહ્યા છે. તાલુકા હેલ્થ અધિકારી પણ કોરોનાની ઝપટે ચડી ગયા છે.

કોરોના મહામારીને પગલે વાંકાનેરના બીયારણ અને એગ્રો બીજના વેપારીઓએ બપોર બાદ સ્વેચ્છાએ ધંધા બંધ કરી લોકડાઉન જાહેર કર્યુ છે. જો કે ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરેલ આ મહામારીને પગલે ગ્રામ્ય પ્રજા પણ વાંકાનેરમાં ઓછી આવે છે અને બપોરથી બજારો સુમસામ થવા લાગે છે. વેપારીઓ પણ નવરાધૂપ થઈને બેઠા જોવા મળે છે. વાંકાનેર માર્કેટીંગ યાર્ડ પણ તારીખ ૧૮-૪-૨૦૨૧ સુધી બંધ રાખવામાં આવ્યુ છે. વાંકાનેરના ધારાસભ્ય જાવીદભાઈ પીરઝાદાએ પણ મોરબી જીલ્લા કલેકટરશ્રીને પત્ર લખી વાંકાનેરને કોરોના માટેના જરૂરી ઈન્જેકશનો અને ઓકસીજન સીલીન્ડરનો જથ્થો પુરો પાડવા પત્ર પાઠવી માંગણી કરી છે.

(12:05 pm IST)