Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

પોરબંદરની સરકારી હોસ્પિટલમાં આરટી-પીસીઆર રિપોર્ટ માટે લાઇનો ઓછી થાય તેવી વ્યવસ્થા કરવા માગણી

કોંગ્રેસના આગેવાનો રામદેવભાઇ મોઢવાડીયા, નાથાભાઇ ઓડેદરા, વિજયભાઇ ઓડેદરા, ભનુભાઇ ઓડેદરા, મેરૂભાઇ તથા આનંદભાઇએ સરકારી હોસ્પિટલની મુલાકાત લઇને દર્દીઓની વ્યથા જાણી

પોરબંદર તા. ૧ર :.. ભાવસિંહજી સરકારી હોસ્પિટલની મુલાકાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા તેમજ  રામદેવભાઇ મોઢવાડીયા સહિત કોંગ્રેસના અન્ય આગેવાનોએ આવીને દર્દીઓની વ્યથા જાણી હતી. અને હોસ્પિટલમાં આરટી- પીસીઆર રીપોર્ટ માટે લાઇનો ઓછી થાય તેવા પ્રયત્નો કરવા માગણી કરી હતી.

ભાવસિંહજી હોસ્પીટલ કમ કોવિડ હોસ્પીટલની મુલાકાત જીલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી નાથાભાઇ ઓડેદરા, કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડીયા, વિજયભાઇ ઓડેદરા, ભનુભાઇ ઓડેદરા અને મેરૂભાઇ સિંધલે અને આનંદભાઇ પુંજાણીએ મુલાકાત લીધી હતી. તેઓ સંયુકત જણાવેલ કે ભાવસિંહજી હોસ્પીટલમાં આરટી-પીસીઆર કરાવનારાની મોટી લાઇન માલુમ પડી હતી. અને આરટી-પીસીઆર ટેસ્ટ માટે સ્લોબ લેનાર ૧ જ વ્યકિત હતાં. અને તેના માટે કેસ પેપરની વિધિ માટે પણ એક જ ટેબલ માલુમ પડયુ હતું. જેને કારણે આર.ટી.-પીસીઆર ટેસ્ટ માટે મોટું ક્રાઉડ હતું.

નવા દર્દીઓ દાખલ થવા માટે રાહ જોઇને બેઠા હતાં. કોવિડના દર્દીઓ માટે બનાવેલ આઇસોલેશન વોર્ડ અને સેમી આઇસોલેશન વોર્ડ ફુલ હોવાના કારણે આ દર્દીઓ દાખલ થવા માટે રાહ જોઇને બેઠા હતાં. હોસ્પીટલ મેનેજમેન્ટ આ દર્દીઓને દાખલ કરવા માટે રાહ જોઇને બેઠા હતાં. હોસ્પીટલ મેનેજમેન્ટ આ દર્દીઓને દાખલ કરવા માટે અને સારૂ ચિત્ર દેખાડવા માટે દાખલ દર્દીઓને ડીસ્ચાર્જ ન થઇ શકે એવા દર્દીઓને ડીસ્ચાર્જ કરવાની પેરવી કરતા હતાં. અને તેમાંના અમુક કોરોના ગ્રસ્ત દર્દીઓને નર્સીંગ હોસ્ટેલ વાળા દવાખાનામાં દાખલ કરવાની તજવીજ કરતાં હતાં. આ દર્દીઓને નર્સીંગ હોસ્ટેલમાં દાખલ કરવાથી તેમાં દાખલ નોન કોરોના દર્દીઓમાં પણ કોરોના ફેલાવાની પુરેપુરી દહેશત છે. તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવેલ હતું.

બહાર દર્દીઓના સગા-વ્હાલા મચ્છરોના ઝૂંડની વચ્ચે ભાવસિંહજી હોસ્પીટલના કમ્પાઉન્ડમાં ચિંતાગ્રસ્ત ચહેરે બેસીને રાત્રી રોકાણ પણ ત્યાં જ કરે છે. આ દર્દીઓને સગા-વ્હાલા સાથે વાત કરવા માટેની વિડીયો કોલીંગની વ્યવસ્થા રાખેલ નથી. ભવિષ્યમાં આ જ લોકો મચ્છરના ડંખથી અન્ય ગંભીર બિમારીઓનો ભોગ બને એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. હોસ્પિટલના જવાબદારોએ રેમડેસીવીર ઇન્જેકશનથી દર્દીઓને રાહત થતી નથી. એવો બેજવાબદારી પૂર્વકનો જવાબ આપી રહ્યા હતાં. એક કોંગ્રેસના રામદેવભાઇ મોઢવાડીયા સહિત આગેવાનોએ હોસ્પિટલની મુલાકાત સમયે જણાવ્યું હતું.

(1:28 pm IST)