Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

પ્રિન્સ પાઇપ્સના ટ્રેડમાર્કની નકલ કરનારા જામનગરના ૩ ઉત્પાદકોને ત્યાં દરોડા : નકલી માલ જપ્ત

રાજકોટ,તા.૧૨: પીવીસી પાઈપ્સ અને ફિટિંગ્સના ઉત્પાદનમાં અગ્રણી હરોળની ગણાતી અને મુંબઈમાં વડું મથક ધરાવતી પ્રિન્સ પાઈપ્સ એન્ડ ફિટિંગ્સ લિ.ના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક 'પ્રિન્સ'ના ઉલ્લંઘન માટે કંપનીએ મુંબઈ હાઈકોર્ટમાં ધા નાખી ગુજરાતના જામનગર ખાતે એકમો ધરાવતા પ્લેટિનમ પાઈપ્સ એન્ડ ફિટિંગ્સ, વીગર પ્લાસ્ટ ઈન્ડિયા પ્રા. લિ. અને ધનંજય બ્રાસ પ્રોડકટ્સ સામે વચગાળાનો મનાઈ હુકમ મેળવ્યો છે.ન્યાયમૂર્તિ જી. એસ. પટેલે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે પ્રિન્સ પાઈપ્સ એન્ડ ફિટિંગ્સ લિ.એ ઊભી કરેલી ખ્યાતિ અને ગુડવિલને વટાવી ખાવાના પ્રયત્નો આ ૩ આરોપી કંપનીઓ કરતી હતી.મનાઈહુકમ આપવા ઉપરાંત મુંબઈ હાઈકોર્ટે ૩ આરોપી કંપનીઓના એકમમાં સર્ચ એન્ડ સીઝરની કાર્યવાહી હાથ ધરવા કોર્ટ રિસિવરની નિમણૂક કરી છે. કોર્ટ રિસિવરે જામનગરના પ્રિન્સ પ્લેટિનમ પાઈપ્સ એન્ડ ફિટિંગ્સ, વીગર પ્લાસ્ટ ઈન્ડિયા પ્રા. લિ. અને ધનંજય બ્રાસ પ્રોડકટ્સના બિઝનેસ સ્થળે દરોડા પાડી નકલી માલો જપ્ત કર્યા છે.પ્રિન્સ પાઈપ્સના કેસની રજૂઆત સિનિયર એડ્વોકેટ ડો. વીરેન્દ્ર તુલઝાપુરકર, એડ્વોકેટ હીરેન કમોડ અને લો ફર્મ ઈન્ડસલોએ કરી હતી.

પ્રિન્સ પાઈપ્સ એન્ડ ફિટિંગ્સ લિ.ના સ્ટ્રેટેજી-એવીપી નિહાર પરાગ છેડાએ જણાવ્યું છે કે,'આ નકલ વિરુદ્ઘ અમે કડક પગલાં લઈ રહ્યા છીએ. તમામ આવા કેસો સામે અમે સખત કાનૂની પગલાં લેશું. પ્રિન્સ પાઈપ્સ એન્ડ ફિટિંગ્સ લિ. 'પ્રિન્સ પ્લેટિનમ'નામ હેઠળ કોઈ ઉત્પાદનો બનાવતી નથી.આ નકલી માલોના કારણે બજારમાં ગૂંચવાડો પ્રવર્તતો હતો. આથી અમારી શાખ ઘવાતી હતી. વળી આવાં નકલી ઉત્પાદનોના વેચાણ થકી પ્રિન્સ પાઈપ્સનો બજાર હિસ્સો ઘટતો હતો. આથી આ નકલી ઉત્પાદનોને અટકાવવા પ્રિન્સ પાઈપ્સને બોમ્બે હાઈકોર્ટમાં ધા નાખવાની ફરજ પડી છે.

'પ્રિન્સ'માર્ક ૧૯૬૬થી નિયમિત, વ્યાપક અને એકધારા વપરાશમાં છે. આથી વેપારી વર્તુળોમાં તેની મજબૂત ખ્યાતિ અને આગવું નામ છે.

(3:24 pm IST)