Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

માણાવદરના કુખ્યાત શખ્સ પાસેથી હથિયારનો જથ્થો ઝડપાયો : સાગરીત સહીત 16 હથિયારો સાથે એસઓજીએ દબોચી લીધા

માણાવદરના કુખ્યાત શખ્સ રહીમ ઉર્ફે અંતુડી જુસબ હિંગોરજા અને તેના સાગરિત ઈબ્રાહીમ ઉર્ફે સનેડો નાસીર હિંગોરજાને 16 હથિયાર અને 21 જીવતા - ફૂટેલા કારતુસ સહીત 1,30 લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયા

જૂનાગઢ જીલ્લાના માણાવદરના કુખ્યાત શખ્સ પાસેથી હથિયારનો જથ્થો ઝડપી લેવામાં SOG પોલીસને સફળતા મળી છે. 16 હથિયાર સાથે બે શખ્સો ઝડપી લેવામાં આવ્યા છે.

જૂનાગઢ જીલ્લાના માણાવદરના કુખ્યાત શખ્સ પાસેથી હથિયારનો જથ્થો ઝડપી લેવામાં SOG પોલીસને સફળતા મળી છે. 16 હથિયાર સાથે બે શખ્સો ઝડપી લેવામાં આવ્યા છે. ગુનાખોરીને અંજામ આપે તે પહેલા SOG અને માણાવદર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી માણાવદરના કુખ્યાત શખ્સ રહીમ ઉર્ફે અંતુડી જુસબ હિંગોરજા અને તેના સાગરિત ઈબ્રાહીમ ઉર્ફે સનેડો નાસીર હિંગોરજાને માણાવદરથી ઝડપી લેવામાં આવ્યો હતો, તેની પાસેથી કુલ 16 હથિયાર કબ્જે કરવામાં આવ્યા હતા.

 જૂનાગઢ એસ.પી.રવીતેજા વાસમ શેટ્ટીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ઝડપાયેલ આરોપી અગાઉ હત્યા અને ખૂનની કોશિષ તેમજ ગેરકાયદેસર હથિયારના ગુનામાં ઝડપાયેલ છે. ઝડપાયેલ આરોપી રહીમ ઉર્ફે અંતુડી પાસેથી દેશી હાથ બનાવટના 12 તમંચા, 3 પિસ્તોલ, 1 બંધુક મળી કુલ 16 હથિયાર તેની સાથે 21 જીવતા અને ફૂટેલા કાર્ટીસ કબ્જે કરવામાં આવ્યા છે, જેની કુલ કિંમત 1.30 લાખનો મુદામાલ ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.  

 જૂનાગઢ જીલ્લામાં ગેરકાયદેસર રીતે હથિયારની હેરાફેરી અને રાખવાના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં એક સાથે 16 હથિયાર ઝડપાયાની પ્રથમ ઘટના હશે. ઝડપાયેલ બંને આરોપી રહીમ ઉર્ફે અંતુડી અને ઈબ્રાહીમ ઉર્ફે સનેડોની પૂછપરછમાં બંને શખ્સોએ હથિયાર યુપી અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ ભીંડ જીલ્લાના સન્ની યાદવ પાસેથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે.

 બંને શખ્સો 5 હજારમાં એક હથિયાર લાવીને 20થી 25 હજારમાં વેચતા હતા. હાલ બંને શખ્સને ઝડપી કોર્ટમાંથી રીમાન્ડની માંગણી કરવામાં આવશે અને વધુ હથિયાર છે કે નહીં તેમજ કોઈને વેચ્યા હોય તેવા શખ્સોને ઝડપી લેવા પોલીસે તપાસ શરુ કરી છે. આ રીતે જૂનાગઢ જીલ્લા માણાવદરના કુખ્યાત શખ્સ પાસેથી હથિયારનો જથ્થો ઝડપી લેવામાં SOG પોલીસને સફળતા મળી હતી. 16 હથિયાર સાથે બે શખ્સો ઝડપી લેવામાં આવ્યા છે.

(7:34 pm IST)