Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

હવે કચ્છમાં માત્ર ચાર જ સારસ વધ્યા ! વસ્તી ગણતરીમાં થયો મોટો ખુલાસો

બર્ડ કન્ઝર્વેશન સોસાયટીએ ગણતરીની કામગીરી કરી :બે દિવસ સુધી વિવિધ ૯ તાલુકાઓમાં ૨૪ જેટલા સભ્યોની ટીમ વન-વગડો ખૂંદી વળી

અમદાવાદ : પર્યાવરણ અને પ્રકૃતિના નિકંદનને કારણે વિવિધ સજીવોની વસતી ઘટી રહી છે. કચ્છમાં અગાઉ ઘોરાડની વસતી ઘટીને 20થી પણ ઓછી નોંધાઈ ચૂકી છે. હવે કદાવર પક્ષી સારસનો વારો આવ્યો છે. તાજેતરમાં સારસની ગણતરી કરી ત્યારે ખબર પડી કે ગણીને ચાર પક્ષી વધ્યા છે.પક્ષી સંવર્ધન ક્ષેત્રે કામ કરતી ગુજરાતની બર્ડ કન્ઝર્વેશન સોસાયટીએ આ ગણતરીની કામગીરી કરી હતી. એ દરમિયાન બે દિવસ સુધી વિવિધ ૯ તાલુકાઓમાં ૨૪ જેટલા સભ્યોની ટીમ વન-વગડો ખૂંદી વળી હતી અને પક્ષીઓની નોંધ કરી હતી. તેમની સાથે વન વિભાગનો સ્ટાફ પણ મદદરૂપ બન્યો હતો. સારસ ક્રેન એ કદાવર પક્ષી છે, એટલે કોઈ ગણતરી વખતે ધ્યાન બહાર રહી જાય એ શક્ય નથી. તેની ઊંચાઈ સામાન્ય રીતે ચાર-પાંચ ફીટ સુધીની હોય છે.

દૂરથી જ તેને સરળતાથી જોઈ શકાય છે.આ પક્ષીઓ રાજસ્થાનના રણના આકરા વિસ્તારને બાદ કરતાં લગભગ આખા ઉતર ભારતમાં જોવા મળે છે. વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વિશ્વકક્ષાએ કામ કરતી સંસ્થા વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડના આંકડા કહે છે કે ભારતમાં આ પક્ષી 15-20 હજાર જેટલા, જ્યારે વિશ્વમાં 35 હજાર જેટલા છે. આ આંકડો મોટો હોવા છતાં પક્ષીઓની સંખ્યાની દૃષ્ટિએ બહુ નાનો ગણવો જોઈએ.મધ્ય ગુજરાતમાં આ પક્ષીઓની વસતી જોવા મળે છે. પરંતુ કચ્છમાં 2013-14માં સંખ્યા 15 હતી એ ઘટીને ચાર જ રહી ગઈ છે. એ બતાવે છે કે આ અને આવા અનેક પક્ષીઓના આવાસ ક્ષેત્રો સતત ઘટી રહ્યાં છે. આ પક્ષીઓ જળાશયના કાંઠે જ રહેવા ટેવાયેલા છે. કમનસીબે જળાશયો જ ઓછા થતાં જાય છે.

(9:50 pm IST)