Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કચ્છમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટની ગતિ આગળ ધપી : ઐતિહાસિક ભુજીયા ડુંગર પર આકાર લઇ રહ્યું છે સ્મૃતિ વન

ભૂકંપમાં દિવંગત થયેલાઓની સ્મૃતિમાં બને છે સ્મૃતિવન : ભુજમાં પ્રભારી મંત્રી દિલીપ ઠાકોરે લીધી મુલાકાત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : કચ્છના પ્રભારી મંત્રી દિલીપકુમાર ઠાકોરે ભુજની ઓળખ સમા ભુજીયા ડુંગરની તળેટી ખાતે નિર્માણ પામી રહેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ સ્મૃતિવનની મુલાકાત લઇ ચાલી રહેલા કામનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યુ હતું. કચ્છના ભૂકંપમાં દિવંગત થયેલાઓની સ્મૃતિમાં ભુજ મઘ્યે ઐતિહાસિક ભુજીયા ડુંગર ઉપર સ્મૃતિવન આકાર લઇ રહ્યું છે. પ્રભારી મંત્રીએ બાકી રહેલા કામોને ઝડપી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી સૂચના આપી હતી.

આ સ્મૃતિવનમાં કુલ-૧૨ જેટલા કામો પ્રગતિમાં છે જે અંતર્ગત મ્યુઝિયમ બિલ્ડીંગ ખુબ ઝડપથી આકાર પામી રહયા છે. જેમાં ૮ બિલ્ડીંગ બ્લોકનું નિર્માણ કરવામાં આવી રહયું છે. જેમાં એ બ્લોકમાં ઓડિટોરિયમ, બી બ્લોકમાં કાફે એરિયા, મ્યુઝિયમ શોપ, સી બ્લોકમાં એડમિન બિલ્ડીંગ તેમજ સી થી એચ બ્લોકમાં પ્રદર્શન ગેલેરી અને એચ બ્લોકમાં અર્થકવેક સિમ્યુલેટર નિર્માણધીન છે. જે અન્વયે કેટલાક કામો ૧૫ જુન તો કેટલાક કામ ૩૦મી જુન સુધી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા મંત્રીશ્રીએ સબંધિત અધિકારીશ્રીઓને તાકિદ કરી હતી.

આ મુલાકાત દરમ્યાન સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિર, ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાની, ડિઝાસ્ટર મામલતદાર સી.આર.પ્રજાપતિ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર પંચાલ તેમજ અન્ય સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:00 am IST)