Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ખેડૂતોને કૃષિ વપરાશ માટેના ડીઝલ ખર્ચમાં સબસીડી આપવા વાંકાનેર માર્કેટીંગ યાર્ડના ચેરમેનની માંગણી

મુખ્યમંત્રીને પત્ર પાઠવીને શકીલ પીરઝાદાની રજૂઆત

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૧૨: વાંકાનેર માર્કેટીંગ યાર્ડના ચેરમેન શકીલ એહમદ પીરઝાદાએ રાજયના મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવી ખેડુતોને કૃષિ વપરાશ માટેના ડીઝલમાં સબસીડી આપવા માંગણી કરી છે.

તેઓએ પત્રમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં ક્રમસર પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહયા છે કૃષિ માટે ડીઝલનો ઉપયોગ કરતા ખેડૂતોને ભાવ વધારાને લઇને મોટો ખર્ચ ભોગવવો પડે છે.

સરકારશ્રીએ વર્ષ-૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનું વચન આપ્યુ છે પરંતુ કમનસીબે પરિણામ વિરૂધ્ધ દીશામાં જઇ રહયુ હોય તેવુ લાગી રહયુ છે. તાજેતરમાં રાસાયણીક ખાતરોના જાહેર થયેલા ભાવ વધારા બાદ સરકારશ્રીએ રાસાયણીક ખાતરો ઉપર સબસીડી જાહેર કરી રાસાયણીક ખાતરોનો ભાવ વધારો હાલમાં અસર નો કરે તેવા સરકારે પ્રયત્નો કર્યા છે.

સાગર ખેડુતોને માછીમારી માટે ડીઝલ પર સબસીડી આપવામાં આવી રહી છે તે જ રીતે ખેડુતોને કૃષિ ઉત્પાદન માટે ડીઝલ પર સબસીડી આપવામાં આવે તો હાલની કપરી પરિસ્થિતીમાં ખેડુતો પોતાનું અસ્તીત્વ ટકાવી શકશે માટે ખેડૂતોને કૃષિ ઉત્પાદન માટે ડીઝલમાં સબસીડી તાત્કાલીક આપવા શકીલ એહમદ પીરઝાદાએ માંગણી કરી છે.

(11:32 am IST)