Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ભકતો માટે ખુલ્યા હળવદ નકલંક ધામના દ્વાર : ૧૦૮ દીવડાની આરતી

ગાદિ પૂજન સહિતના કાર્યક્રમો સરકારની ગાઇડલાઇન મુજબ યોજાશે

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૧૨ : સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટા ભાગના મંદિરો ગઈકાલ થી ભકતો માટે ખોલવામાં આવ્યા છે. જોકે, કેટલાક મંદિરો આજે એટલે કે ૧૨ જૂનના રોજ ભકતો માટે ખોલવામાં આવ્યા છે ત્યારે હળવદના શકિતનગર ગામે આવેલ શ્રી નકલંક ગુરુધામના દ્વાર આજ થી એટલે કે૧૨ જૂન ને શનિવાર ના રોજ દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયેલ છે.

કોરોનાની બીજી લહેરને લઈ વધુ સંક્રમણ ન ફેલાય તે માટે થઈ હળવદ નકલંક ગુરૂધામના મહંત દલસુખબાપુ દ્વારા પાછલા બે મહિનાથી દર્શનાર્થીઓ માટે મંદિરમાં દર્શન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બે મહિના બાદ એટલે કે આજે શનિવારના રોજ દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખોલવા માં આવ્યા હતા. સાથે જ વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે દર્શનાર્થીઓની વધુ ભીડના થાય તે માટે સરકારની ગાઇડલાઇનનું દર્શનાર્થીઓએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. નકલંક ગુરુધામની સાથે સાથે હળવદના મોટાભાગના દરેક ધાર્મિક સ્થળો પણ આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

નકલંક ગુરૂધામના મહંત દલસુખબાપુએ જણાવ્યું હતું કે, કોરાની પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે કોરોના હજુ ગયો નથી. જેથી, અહીં મંદિરમાં બપોરે અને સાંજે દર્શનાર્થીઓ માટે (પ્રસાદ) જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી પરંતુ હજુ થોડા દિવસ માટે મંદિરમાં પ્રસાદ (જમવાની) વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે. જેની સર્વે દર્શનાર્થીઓને નોંધ લેવી. વધુમાં એ પણ છે કે આજે શનિવારે રામદેવપીરની બીજ હોય જેથી ૧૦૮ દીવડાની મહાઆરતી, ગાદિ પૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સરકારની ગાઈડલાઈનને ધ્યાને લઈ કરવામાં આવ્યા છે.

(11:39 am IST)