Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ચોટીલા ઉગમણા નેસમાં મારામારીઃ નાથીબેન ધાધલ, લીલીબેન અને જગાભાઇને ઇજા

જુના મનદુઃખમાં પડોશીઓ ભાવેશ, વિજય, સંજય, કરસન, સાગર સહિતના તૂટી પડ્યા

રાજકોટ તા. ૧૨: ચોટીલાના ઉગમણા નેસમાં રહેતાં રબારી પરિવારના વૃધ્ધા, એક મહિલા અને એક યુવાન પર પડોશમાં જ રહેતાં રબારી પરિવારના લોકોએ જુના મનદુઃખને લીધે લાકડી પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.

ઉગમણા નેસમાં રહેતાં નાથીબેન વાઘાભાઇ ધાધલ (ઉ.વ.૮૦) તથા તેના કુટુંબી લીલીબેન માત્રાભાઇ ધાધલ (ઉ.વ.૩૧) અને જાગભાઇ પોલાભાઇ ખાંભલા (ઉ.વ.૩૨)ને ઇજા થતાં રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. 

હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં ભાવેશ, કરસન, વિજય ઉકાભાઇ, સંજય ઉકાભાઇ, અરવિંદ રૂપાભાઇ, સાગર પોલાભાઇ  અને લીલા પરમાર સહિતે હુમલો કર્યાનું જણાવતાં તે મુજબ નોંધ કરાવાઇ હતી. નાથીબેનના સગાના કહેવા મુજબ જુના મનદુઃખને કારણે આ હુમલો થયો હતો. ચોટીલા પોલીસ વધુ તપાસ કરે છે.

લાઠીદળમાં અનિલ વાઘેલાએ એસિડ પીધું

બોટાદના લાઠીદડમાં રહેતાં અનિલ રાજુભાઇ વાઘેલા (ઉ.વ.૩૦)એ એસિડ પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બોટાદ પોલીસને જાણ કરાઇ હતી. અનિલ મજૂરી કામ કરે છે. પૈસા બાબતે અગાઉ કોઇ સાથે ઝઘડો થયો હોઇ તે કારણે પગલુ ભર્યાનું તેના સગાએ કહ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)